ઓમિક્રોનથી હાહાકાર, ફ્રાંસે બ્રિટન આવવા-જવા પર રોક લગાવી

15

બ્રિટનથી પર્યટન અને બિઝનેસ પ્રવાસ સંપૂર્ણ રીતે બંધ રહેશે અને બ્રિટનથી આવતા મુસાફરોને ૨૪ કલાક પહેલાનો કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે
પેરિસ,તા.૧૭
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા મામલાઓની ચિંતાની વચ્ચે ફ્રાંસે બ્રિટન આવવા-જવા પર રોક લગાવવાની જાહેરાત કરી છે. સાથે જ મુસાફરી માટે કારણોની મર્યાદા નક્કી કરતા ફ્રાંસે ૪૮ કલાકના આઈસોલેશનને ફરજિયાત કરી દીધું છે. બ્રિટનમાં બુધવારે કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાયા છે. તે પછી સમગ્ર દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને ચિંતા વધી ગઈ છે. ફ્રાંસના વડાપ્રધાન જીન કેસ્ટેક્સે કહ્યું કે, બ્રિટનમાં ઓમિક્રોન વેરિયન્ટના ફેલાવાને જોતા શુક્રવારે મધરાત પછી શનિવારથી નવા નિયમો લાગુ થશે. ફ્રાંસ સરકારના એક પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, બ્રિટનથી પર્યટન અને બિઝનેસ પ્રવાસ સંપૂર્ણ રીતે બંધ રહેશે અને બ્રિટનથી આવતા મુસાફરોને ૨૪ કલાક પહેલાનો કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. અચાનક ઉઠાવાયેલા આ પગલાંથી મુસાફરી કરનારા બંને દેશોના લોકોના આયોજનો ખોરવાઈ જશે. કેટલાક મુસાફરોએ આ પગલાંને રાજકારણથી પ્રેરિત હોવાને લઈને સવાલ ઉભા કર્યા છે.
તો, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસના પ્રવક્તા મેક્સ બ્લેને કહ્યું કે, આ પગલાંને લઈને જોનસનની ફ્રાંસના પ્રેસિડન્ટ ઈમેનુઅલ મેક્રોં સાથે કોઈ ચર્ચા નથી થઈ અને બ્રિટનની આ પ્રકારની જવાબી કાર્યવાહીની કોઈ યોજના નથી. બ્રિટનમાં બુધવારે કોરોનાના નવા ૭૮,૬૧૦ કેસ નોંધાય છે. જે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ દૈનિક મામલા છે. સંક્રમણના નવા કેસો માટે વાયરસના ડેલ્ટા વેરિયન્ટની સાથે-સાથે ઓમિક્રોન વેરિયન્ટ પણ મુખ્ય રીતે જવાબદાર છે. આ પહેલા બ્રિટનમાં સૌથી વધુ દૈનિક મામલા ૮ જાન્યુઆરીએ સામે આવ્યા હતા. એ સમયે ૬૮,૦૫૩ નવા કેસ નોંધાયા હતા.