ભાવનગર કૉંગ્રેસ દ્વારા કલેકટર ઓફિસ ખાતે ધરણા યોજતા પોલીસે અટકાયત કરી

43

રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પેપર લીક થવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરી રોડ વચ્ચે સુત્રોચ્ચાર કર્યા
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા તાજેતરમાં રાજ્યમાં હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જવાની ઘટના સંદર્ભે કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ આ ધરણાં યોજે એ પૂર્વે પોલીસે તમામ કોંગી કાર્યકરો સામે અટકાયતી પગલાં ભર્યાં હતાં.

રાજ્ય સરકારની નિષ્ફળતાનો વધુ એક પુરાવો એ મુદ્દો લઈને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા હેડ કલાર્કની પરીક્ષાનું પેપરલીક પ્રકરણે વિરોધ પ્રદર્શન સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. દરમ્યાન આ કાર્યકરો જેમાં પ્રકાશ વાઘાણી ભરત બુધેલીયા પ્રતાપ બારડ જયેશ ભટ્ટ પારૂલબેન ત્રિવેદી સહિત 20 જેટલા કોંગી કાર્યકરો-હોદ્દેદારો એકઠાં થયા હતા આ લોકો ધરણાં સહિતનો કાર્યક્રમ યોજે એ પૂર્વે એ-ડીવીઝન પોલીસે અટકાયત કરી સમગ્ર ખેલ પર પડદો પાડી દીધો હતો.

કોંગ્રેસના પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે ભાજપની સરકારની બેદરકારીથી આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે. જેથી રાજ્યના લાખો બેરોજગારો હાલાકી અને અરાજકતાનો ભોગ બની રહ્યાં છે. આ બેરોજગારોને પરીક્ષા આપવા માટે ખર્ચ થયો છે ઉપરાંત સમયનો દુર્વ્યય અને ભારે હાલાકીનો ભોગ બન્યા છે. ભાજપના ખોટા વહીવટના કારણે આ પેપર લીક થતા ઘણા યુવાનો હતાશ થયા છે. ઘણા સમયથી ભરતીની પ્રક્રિયામાં કોઇને કોઇ અડચણ આવી રહી છે. હવે પેપર લીક થતા પ્રક્રિયા ગુંચવાડામાં ફસાઇ જતાં ફરીવાર ઉમેદવારોમાં નિરાશામાં છવાઇ છે આ વિરોધ પ્રદર્શન વેળાએ શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન નીતાબેન રાઠોડ, વિરોધપક્ષના નેતા, યુથ કૉંગ્રેસના કાર્યકરો, એનએસયુઆઈ, તથા મહિલા સેલ સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.