અમેરિકા અને યુરોપમાં ડેલ્મીક્રોમનો વધતો કહેર

91

ડેલ્ટા-ઓમિક્રોનના કોમ્બિનેશનને ડેલ્મીક્રોમ નામ અપાયું છે, અત્યારે દુનિયામાં બંને વેરિયન્ટ જોવા મળી રહ્યા છે
વોશિંગ્ટન, તા.૨૨
કોરોના વાયરસને કારણે પાછલા બે વર્ષથી માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં કોહરામ મચી ગયો છે. લોકોના જીવન બદલાઈ ગયા, જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ ગઈ. મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. વુહાન વેરિયન્ટને કારણે કોરોનાની પ્રથમ લહેર આવી. ડેલ્ટા વેરિયન્ટને કારણે બીજી લહેર આવી અને તબાહી મચી ગઈ. હોસ્પિટલોમાં પથારી નહોતી મળતી અને ઓક્સિજન ખૂટી પડ્યો હતો. ડેલ્ટા વેરિયન્ટની અસર માંડ ઓછી થઈ હતી ત્યાં ઓમિક્રોન વાયરસે પ્રવેશ કર્યો. અમેરિકા અને યૂરોપના દેશોમાં સ્થિતિ વણસી રહી છે. માનવામાં આવે છે કે અત્યારે ત્યાં ડેલ્મીક્રોમ વેવ ચાલી રહી છે. ભારતમાં ઓમિક્રોનના કેસ ઘીરે ધીરે વધી રહ્યા છે. ડેલ્ટા અને ઓમિક્રોનના કોમ્બિનેશનને ડેલ્મીક્રોમ નામ આપવામાં આવ્યું છે. અત્યારે દુનિયાભરમાં બન્ને વેરિયન્ટ જોવા મળી રહ્યા છે. ભારતમાં ઓમિક્રોનના કેસ ૨૨૦થી વધી ગયા છે. કોરોનાની રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે, અને હવે બૂસ્ટર ડોઝની માંગ શરુ થઈ ગઈ છે. અનેક દેશોમાં બૂસ્ટર ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી છે. આ સ્થિતિમાં ડેલ્ટા અને ઓમિક્રોનનું કોમ્બિનેશન એટલે કે ડેલ્મીક્રોમ વેરિયન્ટ કેટલું ખતરનાક સ્વરુપ ધારણ કરશે, તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. એક્સપર્ટ દ્વારા આ વેવને ડેલ્મીક્રોન વેવ નામ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારની ટાસ્ક ફોર્સના સભ્ય શશાંક જોશીનું કહેવું છે કે, અમેરિકા અને યૂરોપમાં ડેલ્મીક્રોનને કારણે કેસની ત્સુનામી આવી છે. હવે ભારતમાં ઓમિક્રોનની અસર કેવી અને કેટલી થશે તે જોવાનું રહેશે. ભારતમાં ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ ઘણું વધ્યુ હતું. વર્તમાનમાં પણ ડેલ્ટાના કેસ છે. ડોક્ટર શશાંક જોશી જણાવે છે કે, ભારતમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી છે. મુંબઈ અને દિલ્હીમાં થયેલા સીરો સર્વેમાં સામે આવ્યું છે કે, સર્વેમાં ભાગ લેનાર ૯૦ ટકા વસ્તી કોરોના સંક્મિત થઈ ચૂકી છે. ૮૮ ટકા ભારતીઓને રસીનો એક ડોઝ તો મળી જ ગયો છે. સરકાર અને નિષ્ણાંતો રસીકરણને ખૂબ મહત્વ આપી રહ્યા છે. લોકોને માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની સલાહ આપવામાં આવે છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૧૭ નવા કેસ નોંધાયા
Next articleકોવિશિલ્ડની અસરકારકતા ત્રણ માસ બાદ ઘટી જાય છે