7 માસ પૂર્વે ભાવનગર જીલ્લાનાં પાલીતાણાનાં વેપારીનું અપહરણ કરી રૂા. 40 લાખની માંગણી, કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને આજીવન કેદની સજા

104

ભાવનગરનાં ડીસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો ગ્રાહ્ય રાખી
7 માસ પૂર્વે ભાવનગર જીલ્લાનાં પાલીતાણા ગામે એક સિંધી વેપારીનું અપહરણ કરી રૂા.40 લાખની માંગણી કરનાર પાંચ આરોપીઓ (1) દિગ્વીજયસિંહ દશરથસિંહ સરવૈયા, ઉ.વ.26, રહે. હાથસણી, તા.પાલીતાણા (2) પરાક્રમસિંહ જનકસિંહ ઝાલા, ઉ.વ.21, રહે. પ્લોટ નં.130, સોમનાથનગર, નિર્ભય સોસાયટી, શેરી નં.7, ભાવનગર (3) મનહરસિંહ અણદુભા ગોહિલ, ઉ.વ.35, રહે. કર્મચારીનગર-1, ફુલસર, ભાવનગર (4) માલદેવસિંહ કિશોરસિંહ ગોહિલ, ઉ.વ.28, રહે. ગારીયાધાર રોડ, ગાયત્રીનગર, પાલીતાણા (5) જયરાજભાઈ શાંતુભાઈ ગીડા, ઉ.વ.26 રહે. કાનીયાડ, તા.જી. બોટાદ સહિતનાં પાંચેય શખ્સો સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરનાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીએ દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી પાંચેય આરોપીઓને જુદી જુદી કલમો હેઠળ આજીવન સજા અને રોકડ દંડ ફટકારેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ આરોપી દિગ્વીજયસિંહ દશરથસિંહ સરવૈયા, પરાક્રમસિંહ જનકસિંહ ઝાલા તથા માલદેવસિંહ કિશોરસિંહ ગોહિલ એ ભોગ બનનારને ઉપાડી લેવાનો તા.2-5-21 નાં રોજ પ્લાન બનાવી (ગુનાહિત કાવતરૂ રચી) આરોપી નં.4 નાં માલદેવસિંહ કિશોરસિંહ ગોહિલનાંઓ આરોપી નં.1, 2ની સાથે દુકાન બતાવવા ગયેલ અને તે પછી તા.3/5/2021નાં સાંજનાં આશરે સવા પાંચ વાગે આરોપી નં.1 નાં એ ભોગ બનનારને ફોન કરી પાલીતાણા સદવિચાર હોસ્પીટલ આગળ આવી પૈસા લઈ જવાનાં બહાને બોલાવી સાડા પાંચેક વાગે ભોગ બનનાર સાહેદ શ્યામભાઈ છાબડા સદવિચાર હોસ્પિટલ આગળ બાયપાસ રોડ ઉપર આવતા આ કામનાં આરોપી નં.1 થી 3નાં એ ફરિયાદી રાજુભાઈ અછતમલ છાબડા, ઉ.વ. 61, રહે. સિન્ધી કેમ્પ, પ્લોટ વિસ્તાર, પાલીતાણાનાં ભાઈ શ્યામભાઈને બળજબરીથી ખેંચી આરોપી નં.1 થી 3 નાં પાસે રહેલ ફોરવ્હીલ ગાડી નં. GJ04 DA 7904 માં ગાડીમાં નાખી લઈ જઈ અપહરણ કરી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી આરોપી નં.1, 2નાં એ ભોગ બનનારને ગળા ઉપર છરી રાખી રૂા.40 લાખ ની બળજબરીથી કઢાવવા માંગણી કરી, પૈસા ન આપે તો ભોગ બનનારને મારી નાખવાની ધમકી આપી ભોગ બનનારને ગારીયાધાર બાજુ લઈ ગયેલ ત્યાંથી આરોપી નં.1નાંએ આરોપી નં.5ની મદદ લઈ આરોપી નં. પનાં એ સાહેદ જયરાજભાઈ કૃષ્ણદેવભાઈ ખાચર, ઉ.વ.23, રહે. પીપરડી (બોડી) પંચાયત ઓફીસ પાછળ, તા. બોટાદની વાડીમાં ભોગ બનનારને ગેરકાયદેસર અટકાયતમાં રાખવા મદદ કરેલ અને આરોપીઓએ ભોગ બનનાર સાહેદને તા.4/5/21નાં રોજ રૂા.10 લાખ પહોંચાડવાનું નકકી કરતા ભોગ બનનારને તા.4/5/21નાં રાતનાં ત્રણેક વાગ્યે નારી ચોકડી ઉતારી આરોપી નં.1 નાંએ ભોગ બનનારને પોલીસ ફરીયાદ કરીશ તો ભોગ બનનારનાં પરિવારનાં સભ્યોને મારી નાખવાની ધમકી આપેલ. તે પછી આ કામનાં આરોપી નં.1 નાં એ તા.4/5/21 નાં રોજ ભોગ બનનારને ફોન કરી બળજબરીથી પૈસા કઢાવવા માટે ધાક-ધમકી આપેલ, ઉપરાંત આ કામનાં તપાસનીશ અધિકારીને તેમજ તેનાં પરિવારને મારી નાખવાની ધમકીઓ આપેલ. જે મોબાઈલ ફોનનો ઓડીયો તપાસમાં રજુ કરવામાં આવ્યો હતો,આ બનાવ અંગે ફરીયાદી રાજુભાઈ અછતમલ છાબડાએ જે તે સમયે પાલીતાણા પોલીસ મથકમાં ઉપરોકત પાંચેય આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ઈ.પી.કો. કલમ 365, 364(એ), 387, 323, 342, 506(2), 34, 120બી, 189, 507 જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરનાં પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીની કોર્ટમાં ચાલી જતા અદાલતે મુખ્ય જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી પાંચેય આરોપીઓ સામે ગુનો સાબિત માની આજીવન કેદની સજા અદાલતે ફટકારી હતી.