સેન્સેક્સ ૩૮૫, નિફ્ટીમાં ૧૧૭ પોઈન્ટનો વધારો

16

શેરબજારમાં સતત તેજીની ચાલ : બજાજ ફાઇનાન્સ ત્રણ ટકાના વધારા સાથે ટોપ ગેઇનર
મુંબઈ, તા.૨૩
ગુરુવારે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આજે એટલે કે ગુરુવારે બીએસઈ મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૩૮૪.૭૨ પોઈન્ટ્‌સ અથવા ૦.૬૮ ટકાના વધારા સાથે ૫૭,૩૧૫.૨૮ પોઈન્ટ પર બંધ થયો હતો. બીએસઈની સાથે એનએસઈ પણ ઉછાળા સાથે બંધ થયું હતું. ગુરુવારે દિવસના કામકાજના અંતે એનએસઈનો મુખ્ય સૂચકાંક નિફ્ટી ૧૧૭.૧૫ પોઈન્ટ અથવા ૦.૬૯ ટકાના વધારા સાથે ૧૭૦૭૨.૬૦ પર બંધ થયો હતો. સેન્સેક્સ પેકમાં પાવરગ્રીડ, આઇટીસી, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી અને વિપ્રો લીલા નિશાને બંધ થયા હતા, જ્યારે ટાટા સ્ટીલ, રિલાયન્સ, એશિયન પેઇન્ટ્‌સ અને એચડીએફસી બેન્ક લાલ નિશાન પર બંધ થયા. ગુરુવારે બીએસઈ સેન્સેક્સ ૨૫૦થી વધુ પોઈન્ટ સાથે ૫૭,૨૫૧ પર ખુલ્યો હતો. તે પછી તે વધુ ઝડપથી આગળ વધ્યો અને ૩૫૦ પોઈન્ટ ઉપર ગયો. પાવરગ્રીડ, એનટીપીસી સહિતના બે ડઝનથી વધુ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ૫૦ પણ ૧૭,૦૬૬ પોઈન્ટ પર ખુલ્યો હતો. તેમાં પણ ૧૦૦ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.અગાઉ શેરબજારોમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી અને બુધવારે બીએસઈ સેન્સેક્સ ૬૧૨ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એલએન્ડટીમાં વધારા સાથે બજારનો અંત આવ્યો હતો. ૩૦ શેરવાળો સેન્સેક્સ ૬૧૧.૫૫ પોઈન્ટ અથવા ૧.૦૯ ટકા વધીને ૫૬,૯૩૦.૫૬ પર બંધ થયો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૮૪.૬૦ પોઈન્ટ અથવા ૧.૧૦ ટકાના ઉછાળા સાથે ૧૬,૯૫૫.૪૫ પર બંધ રહ્યો હતો. બજાજ ફાઇનાન્સ સેન્સેક્સમાં લગભગ ત્રણ ટકાના વધારા સાથે ટોપ ગેઇનર હતું. આ ઉપરાંત ભારતી એરટેલ, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એસબીઆઈ પણ વધ્યા હતા. બીજી તરફ વિપ્રો, આઈટીસી અને નેસ્લે ઈન્ડિયાના શેરમાં ઘટાડો રહ્યો હતો. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારોમાં હકારાત્મક વલણ સાથે સ્થાનિક બજારમાં તેજી રહી હતી. ભારે ઉથલપાથલ થઈ હતી. મધ્યમ અને નાની કંપનીઓના શેરોએ સારો દેખાવ કર્યો હતો. શેરના ભાવમાં ઘટાડાને કારણે રોકાણકારોને ખરીદીની સારી તક મળી.
અન્ય એશિયન બજારોમાં, હોંગકોંગનો હેંગસેંગ, જાપાનનો નિક્કી અને દક્ષિણ કોરિયાનો કોસ્પી સુધર્યો હતો, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ નુકસાનમાં બંધ હતો. યુરોપના મુખ્ય બજારોમાં બપોરના કારોબારમાં તેજીનું વલણ હતું. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૮ ટકા વધીને બેરલ દીઠ ૭૪.૨૪ ડોલર પર પહોંચી ગયું છે.