પાલીતાણામાં જીવતી સળગાવેલી પરણીતાનું સારવાર દરમિયાન મોત, 6 આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ

164

ત્રણ દિવસ પહેલા સામાન્ય બોલાચાલીમાં પાડોશીઓએ મહિલાને જીવતી સળગાવી દીધી હતી
પાલીતાણામાં ત્રણ દિવસ પૂર્વે સામાન્ય બાબતે પાડોશીઓએ એક સંપ રચી બચરવાળ પરણીતાને જવાલનશીલ પ્રવાહી છાંટી જીવતી સળગાવી દીધી હતી. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા આજરોજ તેનું સારવાર દરમિયાન મોત થયું છે. જેને પગલે પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલી શક્તિનગરમાં રહેતી નિતાબેન જેન્તિભાઈ સરવૈયા ઉ.વ.35 નામની ત્રણ સંતાનોની માતાને તેનાં પાડોશમાં રહેતી સોનલ ઉર્ફે સોના સુરા ભરવાડ સાથે ઘરમાં પાળેલા કુતરાના નામને લઈને અવારનવાર માથાકૂટ થતી હતી. આ દરમિયાન ગત તા 21 ડીસેમ્બરના રોજ સામાન્ય બોલાચાલીના અંતે મામલો ગંભીર બનતા સુરા વાલા, ઘેલા વાલા, રાજુ ભકા, કરણ રાજુભાઇ તથા શાંતુબેન રાજુભાઈ સહિત 5 થી 6 વ્યક્તિઓના ટોળાએ મહિલાના ઘરમાં પ્રવેશ કરી તેને માર માર્યો હતો. તેમજ કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી મહિલાને જીવતી સળગાવી દીધી હતી. ત્યારે ભડભડ સળગી ઉઠેલી પરણીતાને પાડોશીઓએ બચાવી પ્રથમ પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર.ટી હોસ્પિટલના બન્સૅ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાનું શરીર 80 ટકાથી વધુ દાઝી ગયેલી હાલતમાં હોય આમ છતાં તબિબોએ પરણીતાને બચાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા. જોકે, તેમ છતાં આજરોજ વહેલી સવારે ભોગગ્રસ્ત પરણીતાએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.
આ બનાવમાં મૃતક મહિલાએ બનાવ સમયે પોલીસને આપેલા મરોણમુખ નિવેદન-ફરિયાદના આધારે ત્રણ વ્યક્તિઓની ધડપકડ કરવામાં આવી હતી. આજરોજ સારવારમાં મહિલાનું મોત નિપજતાં પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.