આખરે ૯ વર્ષ બાદ રેડ બોલ ક્રિકેટમાં એસ શ્રીસંત પરત ફરશે

25

મુંબઇ,તા.૨૬
લાંબા સમયની રાહ જોયા બાદ એસ શ્રીસંત માટે એક સારા સમાચાર આવ્યા છે. તેને આગામી રણજી ટ્રોફી સીઝન માટે કેરળની સંભવિત ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો શ્રીસંત કેરળની મુખ્ય ટીમમાં પણ સ્થાન મેળવશે તો ૯ વર્ષ પછી તે રેડ બોલ ક્રિકેટમાં રમવા મેદાનમાં ઉતરશે. આ લાંબો સમય છે અને શ્રીસંત ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. કેરળ રણજી ટીમની સંભવિતોમાં સામેલ થયા બાદ શ્રીસંતે ટિ્‌વટર પર એક પોસ્ટ પણ લખી હતી. જેમા તેણે લખ્યું છે કે, ટ્રેનની રાહ જોવાની જેમ મેં આ ક્ષણની રાહ જોઈ છે. આ ક્ષણે હું કેવું અનુભવું છું તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. આપ સૌનો આભાર. પ્રાર્થના કરતા રહો કે હું મારું શ્રેષ્ઠ આપી શકું. નોંધનીય છે કે, એસ શ્રીસંત સાત વર્ષની લાંબી રાહ જોયા બાદ મેદાનમાં ઉતર્યો હતો. તે સમયે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેરળ તરફથી રમ્યો હતો. ગયા વર્ષે અને આ વર્ષે રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં રેડ બોલનાં ક્રિકેટમાં શ્રીસંતની રાહ વધુ લાંબી થઈ ગઈ છે. શ્રીસંતે આઇપીએલ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ તેને હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો ન હતો. તે સમયે તેણે કહ્યું હતું કે તે હાર નહીં માને અને પ્રયાસ કરતો રહેશે. ભારતીય ટીમમાં શ્રીસંત ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. તે ૨૦૦૭ ટી ૨૦ વર્લ્‌ડકપ જીતનાર ટીમનો સભ્ય પણ રહી ચુક્યો છે. ફાઈનલ મેચમાં તેણે મિસ્બાહ ઉલ હકનો કેચ પકડ્યો હતો જે આજે પણ યાદ કરવામાં આવે છે. આ સિવાય તે ૨૦૧૧ વનડે વર્લ્‌ડકપ ફાઈનલમાં પણ ટીમમાં હતો. ફિક્સિંગ કૌભાંડમાં ફસાયા બાદ તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. જોકે, કોર્ટે તેને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બોલર હરભજન સિંહે શુક્રવારે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હરભજનની નિવૃત્તિ પછી એસ. શ્રીસંતે સોશિયલ મીડિયા પર તેના માટે એક ખાસ પોસ્ટ લખી હતી. દરમ્યાન શ્રીસંતે હરભજન માટે ટ્‌વીટ પણ કર્યું હતું. જેમા તેણે લખ્યુ, “હરભજન સિંહ, તમે હંમેશા વિશ્વનાં શ્રેષ્ઠ ક્રિકેટરોમાંનાં એક રહેશો, માત્ર ભારત માટે જ નહીં. હું તમને ઓળખું છું અને તમારી સાથે રમવાની તક મળી તે માટે હું પોતાને સન્માનિત માનુ છું. હું તમારી સાથેની સારી પળોને હંમેશા યાદ રાખીશ. તમને ઘણો પ્રેમ અને આદર.”