શહેરમાં લેવાયેલી જીપીએસસીની પરીક્ષામાં ૫૫% ઉમેદવારો ગેરહાજર

26

જીપીએસસી દ્વારા ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧, મુલ્કી સેવા વર્ગ-૧ અને ૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-૨ની જગ્યાની ભરતી માટે ગઇકાલે રવિવારે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ભાવનગર શહેરમાં લેવાયેલી પરીક્ષામાં ૫૫% જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતાં. જેમાં ખાસ કરીને ભાવનગર શહેરમાં લેવાયેલ પરીક્ષામાં સવારના પ્રથમ સેશનમાં કુલ ૮ ઝોનમાં ૯,૨૯૫ ઉમેદવાર પૈકીના ૪,૨૫૫ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમ ૫૦% જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતાં. જ્યારે બપોરે બીજા સેશનમાં ૮ ઝોનમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી તેમાં પણ કુલ ૯,૨૯૫ ઉમેદવાર પૈકીના ૪,૦૮૫એ પરીક્ષા આપી હતી. જ્યારે ૫,૨૧૦ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતાં. આમ અવરઓલ કુલ ૫૫ ટકા જેટલા ઉમેદવારો ગેરહાજર નોંધાયા હતાં.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં લેવાયેલી પરીક્ષા માટે કુલ ૩૯ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯,૨૯૫ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ઓ.એમ.આર. પદ્ધતિથી ૩૯ જેટલા સેન્ટરમાં પરીક્ષાઓ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી. કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો તેમ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઇ. એમ.આર. પાંડેએ જણાવ્યું હતું.