બોટાદમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગાઇડલાઇન ભંગ, બોટાદમાં પૂર્વમંત્રી હાજરીમાં ગાઇડલાઇન ભંગ

18

રાજ્યમાં જે રીતે કોરનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા લાગે છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જરૂરી બની ગયુ છે. ત્યારે બોટાડથી એક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે જોયા બાદ તમે વિચારશો કે કોરોનાવાયરસને આ લોકો સામેથી બોલાવી રહ્યા છે. કોરોનાને લઇને જનતામાં જાગૃતતા આવી હોય તેવુ લાગી રહ્યુ નથી. જો કે જનતાનો જ વાંક કાઢવો ખોટુ પડશે, કારણ કે રાજ્યનાં નેતાઓ પણ ક્યા આ વાતને સમજી રહ્યા છે. જી હા, અહી વાત બોટાદની થઇ રહી છે, જ્યા પૂર્વ મંત્રીની હાજરીમાં જ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. બોટાદમાં ગઈકાલ શનિવારે રાત્રીનાં સમયે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી ડિસેમ્બરથી ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી અને ૨૫ ડિસેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ હતી. આ ફાઈનલ મેચમા ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ બોલર મુનાફ પટેલ તેમજ બોટાદ મત વિસ્તારનાં ધારાસભ્ય સૌરભ પટેલ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા હોય તેમ મોટી સંખ્યામાં લોકો અહી ઉમટી પડ્યા હતા. આપને જાણીને નવાઇ લાગશે પણ આ ફાઈનલ મેચમાં હજારોની સંખ્યામાં ભીડ તો હતી જ પણ સાથે પૂર્વ મંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં જ્યારે કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે વચ્ચે આ ચોંકાવનારો વીડિયો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આ વીડિયોને સૌરભ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં રવિવારે કોરોનાનાં ૧૭૭ કેસ નોંધાયા હતા. વળી આ દરમ્યાન રાજ્યમાં ઓમિક્રોનનાં કોઇ કેસ સામે આવ્યા નથી. રાજ્યમાં નોંધાયેલા કેસમાં અમદાવાદમાં સૌથી વધુ ૫૩ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં ૨૫ અને વડોદરામાં ૧૬ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં ૩૬ કેસ નોંધાયા છે.