મસૂરીમાં શિલ્પાએ પરિવાર-મિત્રો સાથે ક્રિસમસ ઉજવી

114

મુંબઈ,તા.૨૭
બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ આ વર્ષે મુંબઈથી દૂર જઈને ક્રિસમસની ઉજવણી કરી છે. ક્રિસમસ પહેલા જ શિલ્પા શેટ્ટી, પતિ રાજ કુંદ્રા અને બંને બાળકો- વિઆન અને સમિષા ઉત્તરાખંડ પહોંચ્યા હતા. શિલ્પાની સાથે તેની ફ્રેન્ડ આકાંક્ષા મલ્હોત્રા અને તેનો પરિવાર પણ જોવા મળે છે. શિલ્પાએ ક્રિસમસ ૨૦૨૧ની ઉજવણી ઉત્તરાખંડના મસૂરીમાં કરી હતી અને તેની ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર બતાવી છે. શિલ્પા શેટ્ટીએ મસૂરીના સુંદર નજારા બતાવતો વિડીયો શેર કર્યો છે. જેમાં એક ઝરણાંના કિનારે શિલ્પા અને તેનો દીકરો વિઆન બેઠા છે. તેઓ પાણીમાં મસ્તી કરતાં કરતાં સૌને ક્રિસમસની શુભકામના પાઠવે છે. શિલ્પાએ વિડીયો શેર કરતાં લખ્યું, “હો હો હો મારા ઈન્સ્ટા પરિવારને મેરી ક્રિસમસ. અસામાન્ય ક્રિસમસ અમે લંચ કરવા માટે ટ્રેકિંગ કરીને કેમ્પ્ટી ફોલ સ્ટ્રીમ ખાતે આવ્યા. આ પ્રકારનો પ્રવાસ મને અહેસાસ કરાવે છે કે ભારત કેટલું અતુલ્ય છે. શિલ્પા અહીં લંચ લેવા પહોંચી એ પહેલા તેણે ટ્રેકિંગ દરમિયાનનો વિડીયો શેર કર્યો હતો. તેણે પહાડી પરથી બતાવ્યું હતું કે, તેઓ નીચે વહેતા ઝરણાં પાસે લંચ લેવાના છે. આ સિવાય શિલ્પા શેટ્ટી પોતાના બાળકો સાથે મસ્તી કરતી હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે. શિલ્પા શેટ્ટીની ફ્રેન્ડ આકાંક્ષાએ એક તસવીર શેર કરી છે. જેમાં તેઓ સૌ એક વિશાળ ક્રિસમસ ટ્રી પાસે ઊભેલા જોવા મળે છે. સૌએ ગરમ કપડાં પહેર્યા છે. તસવીરમાં શિલ્પાની સાથે પતિ રાજ કુંદ્રા અને વિઆન ઉપરાંત આકાંક્ષા અને તેનો પરિવાર જોવા મળે છે. આ તસવીર શેર કરતાં આકાંક્ષાએ લખ્યું હતું, ’ક્રિસમસ આનાથી વધુ સારી ના થઈ શકી હોત. આ સિવાય શિલ્પાએ પોતાની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષાને ભેટીને ઊભી હોય તેવી તસવીર પણ શેર કરી હતી. હાલ આ બંને પરિવારો મસૂરીની સુંદરતાને માણીને રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા આ વર્ષે અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં જેલ ગયો ત્યારે આકાંક્ષા તેની પડખે રહી હતી. રાજ જેલમાં હતો ત્યારે શિલ્પા આકાંક્ષા સાથે જ મા વૈષ્ણોદેવીના દર્શન કરવા ગઈ હતી. રાજના જેલમાંથી છૂટ્યા બાદ પણ શિલ્પાએ કરવા ચોથ અને દિવાળી સહિતના તહેવારો આકાંક્ષા સાથે ઉજવ્યા હતા. અગાઉ પણ આકાંક્ષા અને તેના પતિ સાથે શિલ્પા-રાજ હોલિડે પર જઈ ચૂક્યા છે.

Previous articleબોટાદમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગાઇડલાઇન ભંગ, બોટાદમાં પૂર્વમંત્રી હાજરીમાં ગાઇડલાઇન ભંગ
Next articleટીમ ઈન્ડિયાનાં પૂર્વ ખેલાડી યુવરાજ સિંહનું બેટ અંતરિક્ષમાં મોકલાયું