ભાવનગર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો

90

પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેએ ખેડૂત કલ્યાણના આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો : ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન સાથે કૃષિલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી અપાઈ
રાજ્ય સરકાર દ્રારા તા.૨૫-૧૨-૨૦૨૧ થી તા.૩૧-૧૨-૨૦૨૧ દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અન્વયે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા ભાવનગર જિલ્લાનો કાર્યક્રમ સિહોર ખાતેના બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેએ ખેડૂત કલ્યાણના આ કાર્યક્રમનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સમાજજીવનને સ્પર્શતા તમામ ક્ષેત્રોને આવરી લેતા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે સમગ્ર સપ્તાહને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર સંવેદનશીલતા સાથે સમાજના તમામ વર્ગને લાભ મળે તેમજ છેવાડાનો માનવી પણ કોઈપણ લાભથી વંચિત ન રહી જાય તે માટે રાજ્યના દરેક જીલ્લા મથકે તેમ જ તાલુકા મથકે પણ વિવિધ કાર્યક્રમો દ્વારા લાભાર્થીને વિવિધ લાભો આપવામાં આવી રહ્યાં છે.
જગતના તાત એવાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને પૂરતી સહાય આપવા માટે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે. એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલીસી, કાંટાવાળી તારની યોજના, ઇથેનોલ પોલીસી, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર, મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન તેમજ પ્રવાહી જૈવિક ખાતર માટે સરકારની વિવિધ યોજનાઓ ખેડૂતો માટે લાભદાયી છે. સરકાર દ્વારા ગુજરાતની નદીઓની સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે તેની વિગતો તેમણે આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વડે તે સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા આપણને શુદ્ધ અને સાત્વિક અનાજ, શાકભાજી, ફળ ઉપલબ્ધ થશે. તેનાથી આપણી જીવનશૈલી પણ સુધરશે અને આપણાં આયુષ્યમાં પણ નોંધપાત્ર પાત્ર સુધારો થશે. જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાએ ખેડૂતોને સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી હતી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અનુભવો લઇ ખેડૂતોને આહ્વાન કર્યું કે, ભાવનગર જિલ્લો પ્રાકૃતિક ખેતીમાં રાજ્યમાં પ્રથમ આવે તે મુજબ તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના પ્રયોગો કરવાં જોઇએ. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો અને તેમના દ્રારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અંગે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકામાંથી વિશાળ સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધેલ હતો. ખેડૂતો જીવંત પ્રદર્શન નિહાળી શકે તે માટે જુદા- જુદા વિભાગના ૧૭ જેટલા સ્ટોલ પણ રાખવામાં આવેલ હતા. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્રારા જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત જેવા સંયોજનો બનાવી લાઇવ નિદર્શન ગોઠવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા શાકભાજી અને ફળોના વેચાણના સ્ટોલ પણ રાખવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં સોલર લાઇટ ટ્રેપ અને રીપર જેવા યંત્રોનું પણ નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું.
આમ, ખેડૂતોને તમામ પ્રકારની માહિતી મળી રહે તેવું કાર્યક્રમના સ્થળે આયોજન કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેતીવાડી અધિકારી સી. કે. સાંખટ, દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂત લાભાર્થીઓને ખેતીવાડી ખાતાની યોજનાઓના મંજૂરી પત્રો/ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ યોજનાકીય જાણકારી આપવાની સાથે પ્રાકૃતિક ખેતીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.ખેતીવાડી ઉપરાંત બાગાયત, આત્મા પ્રોજેકટ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ ખાતાની યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ અંજુબેન મકવાણા, સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ. આર. કોસાંબી, નાયબ ખેતી નિયામકશ્રી(તાલીમ) શ્રી બી. આર. બલદાણીયા,નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) શ્રી જી. એસ. દવે, કૃષિ વૈજ્ઞાનિક ગંભીરસિંહ વાળા અને પરેશ રાઠોડ તથા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગર જિલ્લામાં આજે બે કોરોનાનો કેસ નોંધાયો
Next articleવીર સાવરકર પ્રા. શા. નં.૮માં ફીટ ઈન્ડિયા અંતર્ગત બાળકો માટે રમતોત્સવ યોજાયો