બીસીસીઆઇ અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ

21

કોલકતા,તા.૨૮
બીસીસીઆઇ અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષની શરૂઆતમાં સૌરવ ગાંગુલીને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
ભારતમાં કોરોનાનો પ્રકોપ ફરી એકવાર વધી રહ્યો છે. ઓમિક્રોનનાં કહેર વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી સોમવારે રાત્રે કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, ગાંગુલીની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાઇ રહ્યુ છે. જણાવી દઈએ કે, ભારતનાં વિવિધ ભાગોમાં કોવિડ-૧૯ પોઝિટિવની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન દેશનાં ૨૧ રાજ્યોમાં ફેલાઈ ગયું છે. જણાવી દઇએ કે, જાન્યુઆરી ૨૦૨૧માં સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેમને થોડા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. ત્યારબાદ સૌરવ ગાંગુલીને મહિનામાં બે વાર એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. જો કે, તે પછી તે સાજો થઈ ગયો હતો અને સતત કામ કરી રહ્યો હતો. સૌરવ ગાંગુલીને કોરોના થયો હોવાના સમાચાર મળતા જ તેના તમામ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ફરી એકવાર કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, કોરોના ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં કહેર મચાવી રહ્યું છે, ભારતમાં પણ ઓમિક્રોનનાં ૬૦૦ થી વધુ કેસ સામે આવ્યા છે, ઘણા આરોગ્ય નિષ્ણાતો તેને ત્રીજી લહેર જણાવી રહ્યા છે. જો કે દેશમાં કોરોનાનાં દૈનિક કેસ હજુ પણ ૧૦ હજારથી નીચે નોંધાઇ રહ્યા છે. ત્યારે વધુ સાવચેતી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવામાં ઘણી મદદ કરી શકે છે.