મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ ભાવનગરમાં 750 કરારપત્રો અને 1647 રોજગાર નિમણૂંક પત્રોનું વિતરણ કરાયું

54

એપ્રેન્ટિસશીપ સ્ટાઈપેન્ડ રીઈમ્બર્સમેન્ટ મોડ્યુલનો શુભારંભ પણ કરાયો
ભાવનગરના અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર, મોતીબાગ ખાતે આજે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ 750 કરારપત્રો સાથે ભાવનગર જિલ્લામાં 1647 રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આજે રાજ્ય સરકારના પ્રયત્નોને કારણે રાજમાં યુવાનો માટે વ્યાપક રોજગારીના અવસરો ઉપલબ્ધ બન્યાં છે. યુવાનો શિક્ષણ, સંસ્કાર સાથે ટેકનોલોજીને પણ જાણે અને તેના દ્વારા પગભર થાય તે માટે કૌશલ્ય નિર્માણની અનેક સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત કરવામાં આવી છે. રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી અનેક યોજનાઓ તંત્રના સામંજસ્યથી પહોંચાડી છે. જેને કારણે ગુજરાતનો સુશાસન માટે ભારતમાં પ્રથમ નંબર આવ્યો છે. જે ગુજરાતની સક્ષમ શાસન પ્રણાલીને આભારી છે. મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુશાસનના પ્રણેતા એવાં સ્વ. વાજપેયીજીના પદચિન્હો પર ચાલીને કાર્ય કરી રહ્યાં છે અને રાજ્યના યુવાનોમાં રહેલી શક્તિ બહાર આવે અને તેઓ જે- તે ક્ષેત્રમાં નિપુણતા મેળવે તે માટેનો માર્ગ તેઓ જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારે જ પ્રશસ્થ કર્યો હતો. આજે રાજ્યમાં રોજગારલક્ષી શિક્ષણ તથા માળખાને કારણે રાજ્યમાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બની પુરુષોને દરેક ક્ષેત્રમાં સ્પર્ધા પૂરી પાડી રહી છે તેવાં વાતાવરણનું નિર્માણ આપણે કરી શક્યાં છીએ. ત્યારે યુવાનો આ વ્યવસ્થાઓનો વધુમાં વધુ લાભ મેળવી પોતાના જીવનને બહેતર બનાવવા માટે કરે તેવું આહવાન તેમણે કર્યું હતું.

સાંસદ ભારતીબેન શિયાળએ જણાવ્યું કે, ભારત દેશ સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે, પરંતુ આ યુવાનોને રોજગારીના અવસરો મળે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. આ માટે રોજગારીની તક નું નિર્માણ થાય તે જરૂરી છે. અમૂક પરિસ્થિતિને કારણે યુવાનો પોતાની ટેલેન્ટનો ઉપયોગ કરી શકતાં નથી, ત્યારે તેમના કૌશલ્યને બહાર લાવવામાં તેમજ તેમને રોજગારીના અવસર તેમના ક્ષેત્રમાં જ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના તમામ તાલુકાઓમાં આઈ.ટી.આઈ. ની સ્થાપના કરવામાં આવી છે.ભાવનગર શહેરમાં તો મહિલા આઇ.ટી.આઇ.ની પણ સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડિજિટલ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા વગેરે જેવાં અભિયાનો દ્વારા દેશને અગ્રેસર કરી રહ્યાં છે,ત્યારે દેશના યુવાઓ પણ તેમની ક્ષમતા બહાર લાવીને દેશના ઘડતરમાં તેમનો ફાળો આપવા સાથે તેમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવે તેમણે વધુમાં ઉમેર્યું હતું. સાંસદએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનએ યુવાનોની જરૂરિયાતોને પારખીને મુદ્રા લોનની શરૂઆત કરી હતી. જેથી યુવાનો પોતાનો સ્વરોજગાર ઉભો કરી પગભર થઈ શકે.આજે દેશની 70 ટકા મહિલા યુવાઓ તેનો લાભ લઈને પગભર બની છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, સ્વ.અટલ બિહારી વાજપેયીએ નૈતિકતા અને મૂલ્યોનો આદર્શ સ્થાપિત કર્યો હતો. તેમને દર્શાવેલાં સુશાસનને ગુજરાતે હવે પરંપરા બનાવી દીધી છે. આજે રાજ્યમાં સૌથી વધુ રોજગાર આપતું જો કોઈ રાજ્ય હોય તો તે ગુજરાત છે. ગુજરાતે યુવાનોના તાલીમ અને જ્ઞાનને પ્રોત્સાહન આપવા કૌશલ્ય સાથે તે તેમના જીવનમાં ઉપયોગી બને તેવાં પ્રયત્નો કર્યા છે. યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આજે રાજ્યમાં 80 થી વધુ યુનિવર્સિટીઓ, સ્કીલ યુનિવર્સિટીઓ જેવી સેક્ટોરલ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. નવી શિક્ષણ નીતિમાં પણ કૌશલ્યને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ડિગ્રીથી રોજગારી મળતી નથી પરંતુ કૌશલ્યથી તે શક્ય બને છે. આથી વિદ્યાર્થીઓ પોતાની જાતને અદ્યતન કરશે તેટલાં જ તેમના માટે રોજગારના વધુ અવસરો ખુલશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમણે યુવાનોને ડિગ્રી સાથે પોતાની જાત તેમજ ક્ષમતા પર વિશ્વાસ મૂકી અગ્રેસર બનવા આહવાન પણ કર્યું હતું. કલેકટર યોગેશ નિરગુડેએ સ્વાગત પ્રવચન કરી ભાવનગર જિલ્લાએ 1500 રોજગારીના લક્ષ્યાંક સામે 104 ટકા સિધ્ધિ હાંસલ કરીને આજે 1647 રોજગારના અવસરો ઉપલબ્ધ બનાવ્યાં છે. તેમણે યુવાનો ને વધુ ને વધુ સ્થાનિક કક્ષાએ રોજગાર ઉપલબ્ધ બને તે માટેની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. આ અવસરે મેયર કીર્તિબાળા દાણીધારીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, રોજગાર અધિકારી એસ.પી.ગોહિલ તથા પદાધિકારીઓ અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.