80 હજારથી વધુ પુસ્તકો ધરાવતી ભાવનગરની હેરીટેજ બાર્ટન લાઇબ્રેરીએ 142 વર્ષ પૂર્ણ કર્યા, સ્થાપના 143 વર્ષમાં પ્રવેશ

43

પુસ્તક યાત્રા ક્રેસંટ સર્કલથી શરૂ થઇ હલુરીયાચોક થઈ દિવાનપરા લાઇબ્રેરી ખાતે આવી
80 હજાર પુસ્તકો ધરાવતી ભાવનગરની હેરીટેજ બાર્ટન લાઇબ્રેરીનાં 143માં સ્થાપના દિન નિમિતે સૌપ્રથમ વાર પુસ્તક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ
યાત્રા ગાંધી સ્મૃતિ ખાતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરી બાર્ટન લાઇબ્રેરી ખાતે પૂર્ણ થઈ હતી. શહેરના હાર્દ સમાં એવા દિવાનપરા રોડ પર આવેલી બાર્ટન લાઇબ્રેરીએ 142 વર્ષ પૂર્ણ કરી 143માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો. જેના ભાગરૂપે આજે એક અનોખો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં ક્રેસંટ સર્કલથી શરૂ કરી હલુરીયાચોક થઈ દિવાનપરા રોડ ખાતે આવેલી બાર્ટન લાઇબ્રેરી ખાતે પુસ્તક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર રજવાડાના મહારાજાઓ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ ધરાવનારા તેમજ વિકાસના પંથે ચાલનારા હતા. પોતાના રાજ્યના યુવાનો અને શિક્ષિત વર્ગને વધુ મજબૂત બનાવવા માટે બાર્ટન લાઈબ્રેરીની સ્થાપના મહારાજા તખ્તસિંહજી દ્વારા 1882 પહેલા કરવામાં આવી હતી. મહારાજા તખ્તસિંહજીના ખાસ મિત્ર કર્નલ બાર્ટન રાજકોટના પોલિટિકલ એજન્ટ હતા. મિત્રના નામ પરથી તખ્તસિંહજીએ 1882માં બાર્ટન લાઈબ્રેરીના બિલ્ડીંગનું નિર્માણ કર્યું હતું.

30 ડિસેમ્બર એટલે આજના દિવસે બાર્ટન લાઈબ્રેરીનો જન્મદિવસ છે. 143 વર્ષમાં બાર્ટન લાઈબ્રેરી પ્રવેશી છે. બાર્ટન લાઈબ્રેરી પાસે પોતાના 80 હજાર પુસ્તકો છે. આ સિવાય બાર્ટન લાઈબ્રેરીના નોંધાયેલા વાંચકો 600 જેટલા છે, જ્યારે કાયમી સભ્ય 150 જેટલા નોંધાયેલા છે. આજે સ્થાપન દિવસઃ નિમિતે એક પુસ્તક યાત્રાએનું
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો પુસ્તકો માથે લઇને તેમજ હાથમાં પુસ્તકો લઇને જોડાયા હતા, જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.સામાન્ય રીતે પુસ્તકોનું ઘર એટલે લાઇબ્રેરી. આ ઘરમાં પ્રવેશ કરીને માનવનું સંપૂર્ણ અજ્ઞાન સમાપ્ત થઇ જાય છે. પુસ્તકાલય જ્ઞાનનું પવિત્ર મંદિર છે. તે અમુલ્ય ધરોહર છે, પુસ્તકાલય દુનિયાને જોડવાનો જાદુઇ દરવાજો છે, પુસ્તક મિત્ર છે, આપણા એકાંતનું પુસ્તક વડિલ છે, સંસ્કારનું પુસ્તક ભવિષ્ય છે. ત્યારે ભાવનગર રાજવી પરિવારની દિર્ઘદ્રષ્ટી જ અમુલ્ય ભેટ એટલે હેરીટેજ બાર્ટન લાઇબ્રેરી. આ પ્રસંગે બાર્ટન લાઈબ્રેરીના ટ્રસ્ટી રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, હાલના ટેકનોલોજીના યુગમાં લોકો મોબાઈલ રમી રહ્યા છે. તેને પુસ્તકો પ્રત્યે રુચિ કેળવાય તેવા હેતુથી ખાસ પુસ્તક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદએ તો જણાવ્યું હતું કે, પુસ્તક વગરનું ઘર સ્મશાન બરાબર છે. ગુણવંતભાઈ શાહ તો ત્યાં સુધી કહે છે કે, જેના ઘરમાં સારા ત્રણ-ચાર પુસ્તકો ન હોય ત્યાં દીકરી દેવી ન જોઈએ. સૌને અપીલ કરું છું ભાવનગર બાર્ટન લાઈબ્રેરીનો વધારે ઉપયોગ કરે અને વાંચનનો શોખ કેળવે. આ પુસ્તક યાત્રામાં ભાજપ શહેર અધ્યક્ષ, રાજીવભાઇ પંડ્યા, ડો.ગીરીશભાઇ પટેલ, પ્રો.મહેન્દ્રસિંહ પરમાર, પરેશભાઇ ત્રિવેદી, અરૂણભાઇ પટેલ, ડી.બી.ચુડાસમા, શિશિરભાઇ ત્રિવેદી, રવિભાઇ પરમાર, ટ્રસ્ટીઓમાં પ્રમુખ લક્ષ્મણભાઈ રાધેશ્વર, કૌશિક ભટ્ટ, રાજલભાઈ ઓઝા, રાજુભાઈ રાબડીયા, ઉષાબેન બધેકા, ભાવેશભાઈ મોદી તેમજ બાર્ટન લાઇબ્રેરીનો વિશાળ વાંચક વર્ગ સાથે મેમ્બરો અને પુસ્તક પ્રેમીઓ જોડાયા હતા.