31 ડિસેમ્બરની ઉજવણી જાહેરમાં ન થાય તે માટે ભાવનગરમાં પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો, સર્કલો ખાતે સઘન ચેકીંગ

66

આતાભાઇ ચોક, કાળિયાની ટાંકી, ભરત નગર, નારી ચોકડી, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં ચેકિંગ
31 ડિસેમ્બર અને કોરોનાની મહામારીને લઈને ભાવનગર પોલીસ તંત્ર દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. રાજ્ય સરકારની કોરોનાની ગાઈડલાઈન અનુસાર 31stની રાતે સમગ્ર શહેરમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો.

ભાવનગર પોલીસ તંત્રએ એલર્ટ બની ભાવનગર શહેરના આતાભાઇ ચોક, કાળિયાની ટાંકી, ભરત નગર, ટોપ3 સર્કલ, નારી ચોકડી, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તેમજ બિનજરૂરી રોડ-રસ્તા પર નીકળતા વાહનચાલકોને રોકી તમામ વાહનોનું ચેકિંગ કરાયું હતું. આ સાથે જ 31 ડિસેમ્બર નિમિત્તે કોઇ પણ પ્રકારે કોઈ પણ જાહેર જગ્યાઓ ઉપર ઉજવણી ન થાય તે અંગે પણ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ભાવનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન એએસપી સફિન હસન સહિત પાંચ ડિવિઝનના પીઆઇ, પીએસઆઇ અને પોલીસ કર્મીઓ પોતાની ફરજ પર હાજર રહ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે અંગે પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા.