ભાવનગર મહાપાલિકાએ એક સાથે 26 ટીમો મેદાનમાં ઉતારી બાકીદારોની મિલકતો જપ્ત કરી

48

કોમર્શિયલ તથા રહેણાંક મિલકત ધારકો દ્વારા મિલકત વેરો નહિ ભરાતા રિકવરી ઝુંબેશનો પ્રારંભ કર્યો
ભાવનગર મહાપાલિકાના ઘર વેરા વિભાગ દ્વારા આજથી મિલકત વેરાની રિકવરી ઝુંબેશને વેગવંતી બનાવવાના ભાગરૂપે મિલકત જપ્તીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અલગ-અલગ 26 ટીમો બનાવી દરરોજની 200 જપ્તીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ભાવનગર મહાપાલિકાની હદ વિસ્તારમાં આવતા કોમર્શિયલ તથા રહેણાંક મિલકત ધારકો દ્વારા સમયસર મિલકત વેરો નહિ ભરાતા આજથી રિકવરી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં શહેરના તમામ 13 વોર્ડમાં 26 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. મહાપાલિકાના અલગ અલગ વિભાગોમાંથી રિકવરી માટે ટીમો બનાવવામાં આવી છે. જે આજે સવારથી મિલકત જપ્તીની કાર્યવાહીમાં લાગી ગઈ છે અને સવારથી બાકીદારોની મિલકતો જપ્ત કરવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેનાથી મિલકત વેરાના બાકીદારોમા ફફડાટ ફેલાઈ ગયો છે. ભાવનગરના તમામ વોર્ડમાં કોમર્શિયલ કે રહેણાકીય મિલકતોના એક વર્ષ કે તેથી વધુ સમયથી જેમનો વેરો બાકી છે તેઓની મિલકત સીલ કરવામાં આવનાર છે અને આ ટીમોને દરરોજનો 200થી 250 જપ્તી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એક તરફ મોટા બાકીદારોને છોડી દઈ નાના બાકીદારો સામે જપ્તીની કાર્યવાહી શરૂ કરાતા બાકીદારોમાં કચવાટ ફેલાઈ જવા પામ્યો છે. જપ્તીની કાર્યવાહીથી બચવા મહાપાલિકા કચેરી ખાતે લોકો વેરો ભરવા પહોંચી રહ્યા છે.