સચિને પોતે જ તેના શ્રેષ્ઠ ૧૧ ખેલાડીઓની ટીમ બનાવી

29

નવી દિલ્હી, તા.૨
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના નામે બેટિંગના મોટાભાગના રેકોર્ડ છે. વિશ્વના સૌથી મોટા-મોટા બોલર પણ સચિનથી ડરે છે અને તે તેમના સમયના શ્રેષ્ઠ બેટ્‌સમેન પણ ગણવામાં આવતા હતા. પરંતુ જ્યારે સચિને પોતે જ તેના શ્રેષ્ઠ ૧૧ ખેલાડીઓની ટીમ બનાવી તો તેણે બીજા ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓને સ્થાન આપ્યું. જોકે તેણે આ ટીમની પસંદગીમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો પણ લીધા હતા.સચિન તેંડુલકરે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં જે ભારતીય ખેલાડીઓની પસંદગી કરી છે તેમાં વીરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, હરભજન સિંહના નામ સામેલ છે. સચિને ભારતના વીરેન્દ્ર સેહવાગ અને સુનીલ ગાવસ્કરને તેની સર્વશ્રેષ્ઠ ઈલેવનમાં ઓપનર તરીકે સ્થાન આપ્યું છે. ત્રીજા ક્રમ પર તેમણે વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાને સ્થાન આપ્યું છે. સચિને વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્‌સને પોતાની ટીમમાં ચોથા નંબર પર સ્થાન આપ્યું છે.સચિને પાંચમા નંબર પર સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કાલિસને સ્થાન આપ્યું છે. આ સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને છઠ્ઠા નંબર પર રાખવામાં આવ્યો છે. તેમણે વિકેટકીપર માટે ધોનીની પસંદગી કરી ન હતી, પરંતુ તેના બદલે ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટને સાતમું સ્થાન આપ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે તેમણે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન વિરાટ કોહલીને આ ટીમમાં સ્થાન આપવાનું યોગ્ય ન સમજ્યું. સચિને ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નને તેની યાદીમાં ૮મું સ્થાન આપ્યું છે. પાકિસ્તાનનો મહાન ઝડપી બોલર વસીમ અકરમ સચિનની પ્લેઈંગ ઈલેવનમાં ૯મા સ્થાને છે. ભારતનો સ્પિનર હરભજન સિંહ ૧૦મા ક્રમે છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા સચિનની પ્લેઈંગ ઈલેવનમાં ૧૧મા સ્થાને છે.