સિહોરના હ્રદયરોગની જન્મજાત તકલીફ ધરાવતા દોઢ વર્ષના બાળકનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન કરાયું

113

ભાવનગરની આરોગ્ય ટીમે એક કુમળા બાળકનું બાળપણ કરમાતાં અટકાવ્યું
રાજ્ય સરકાર દ્વારા અનેક સ્વાસ્થ્યલક્ષી યોજનાઓ અમલમાં છે. જેનાથી રાજ્યમાં હજારો લોકોનું જીવન બચ્યું છે અને લાખો લોકોને સારવાર મળી છે. આ સારવારના પ્રતાપે લોકો નિરામય અને તંદુરસ્ત બન્યાં છે. સરકારના સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમોની સાથે-સાથે નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓ લોકો સુધી આ વાતને પહોંચાડે છે. અને જે તે યોજનાથી થતા લાભો વિષયની જાણકારી થી અવગત કરાવે છે.તેને લીધે જ સરકાર અને તંત્રના સુભગ સમન્વયથી સુંદર પરિણામ મળતું હોય છે. તેમજ છેવાડાના માનવીના જીવનમાં છવાયેલાં અંધકારમાં ઉજાસ ફેલાવી મુસ્કાનનું કારણ બનતું હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભાવનગર જિલ્લાના સિહોરના આંબેડકર વિસ્તારમાં રહેતાં પ્રવિણભાઇ સોલંકીના માત્ર દોઢ વર્ષના બાળક પ્રિયાંશને જન્મજાત હૃદયની તકલીફ હતી. આ પરિવાર મધ્યમવર્ગીય હતો. પ્રવીણભાઈ સેન્ટીંગના કામકાજમાં મજૂરી કરીને માંડ- માંડ પેટિયું રળે છે અને તેવામાં આવી ગંભીર તકલીફને લીધે પરિવારમાં સતત ચિંતાનો માહોલ રહેતો હતો. હૃદયરોગની બીમારી માટે ખર્ચો પણ ખૂબ થાય તેમ હતો. પ્રિયાંશના હૃદયની સારવાર માટે સ્થાનિક ડોક્ટરોને બતાવ્યું તો હૃદયરોગ માટે ઓપરેશન કરવું પડશે અને તેનો મોટો ખર્ચો આવશે તેમ જણાવ્યું. પરંતુ સામાન્ય એવો આ પરિવાર આવો મોટો ખર્ચ કેવી રીતે કરી શકે?? એક બાજુ બાળકની પીડા અને બીજી તરફ આર્થિક સંકડામણના ટેન્શનમાં આ પરિવાર હતો અને બાળકના જીવન-મરણનો પ્રશ્ન હતો. પરંતુ રાજ્ય સરકાર સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ સંવેદનશીલ છે તેની પ્રતીતિ કરાવતાં આંગણવાડીમાં રહેલાં આ બાળકની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય વિભાગના . વિજયભાઈ કામળિયા ડો. પૂજાબા ગોહિલ, અનિતાબેન ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.તેમાં પ્રિયાંશને હૃદયની તકલીફ હોવાનું જણાઇ આવ્યું. આ અંગે પ્રવિણભાઈ અને તેમના પરિવારજનોને વિશ્વાસમાં લેવામાં આવ્યાં અને તેમને સમજાવવામાં આવ્યું કે, આ બાળકની સંપૂર્ણ સારવાર નિ:શૂલ્ક શક્ય છે.બાળકને કોઈપણ પ્રકારની તકલીફ પડશે નહીં. આ અંગે પ્રિયાંશના પરિવાર દ્વારા પણ સહયોગ પ્રાપ્ત થતાં આ બાળકને સંદર્ભ સેવા માટે ભાવનગર ખાતે રીફર કરવામાં આવ્યો.જ્યાં હૃદય રોગના નિષ્ણાત દ્વારા તપાસણી કરતાં વધુ ઓપરેશન માટે અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે પ્રિયાંશને દાખલ કરવામાં આવ્યો અને ત્યાં તેના પર સફળતાપૂર્વક હૃદય રોગનું ઓપરેશન હાથ કરવામાં આવ્યું હતું. જે સફળ રહેતા પ્રિયાંશને રોજેરોજની તકલીફમાંથી મુક્તિ મળી હતી. આમ, પ્રિયાંશ પ્રવીણભાઈ સોલંકીને આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ શિહોર અર્બન આરોગ્યની ટીમનાં સઘન પ્રયત્નો તથા પરિવારના સહયોગથી પ્રિયાંશને નવજીવન મળ્યું હતું.આ અંગે આ પ્રિયાંશના પિતા પ્રવિણભાઈ સોલંકી દ્વારા તેમના પ્રતિભાવમાં રાજ્ય સરકારના આ કાર્યક્રમ તેમજ આરોગ્ય ટીમની મહેનત માટે લાગણીશીલ સ્વરે આભાર વ્યક્ત કરી જણાવ્યું કે, એક મધ્યમ વર્ગીય પરિવાર માટે રૂ.4 લાખનો ખર્ચ ખૂબ જ મુશ્કેલ અને દોહ્યલો હોય છે. રાજ્ય સરકારના આ કાર્યક્રમને લીધે મારા બાળકને રોજ-રોજની પીડામાંથી મુક્તિ મળી છે. આ કાર્યક્રમમાં જિલ્લા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય વિભાગના નિપુલભાઈ ગોંડલીયા, જીતેન્દ્રભાઈ ગજ્જરનો સહયોગ પ્રાપ્ત થયો હતો.તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જયેશભાઇ વકાણી તાલુકા સુપરવાઇઝર અનિલભાઈ પંડિત, હસુમતીબેન ગોહિલે ટીમે પ્રિયાંશના એડમિશન થી માંડીને ઓપરેશન સુધીની પ્રક્રિયામાં સક્રિય રીતે મદદરૂપ બની એક બાળકનું બાળપણ કરમાતું બચાવ્યું હતું.

Previous articleપર્સનાલીટી ડેવલપમેન્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રજ્ઞાચક્ષુઓને તૈયાર કરવા અંધ ઉદ્યોગ શાળા ખાતે સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનો આરંભ
Next articleભાવનગરની એમ.એમ. વિદ્યાલય અને માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલની NCC કેડેટ્સે રસીનો પ્રથમ ડોઝ લીધો