શહેરના સરદારનગર વિસ્તારમાં ડ્રેનેજ લાઈનનું ખોદકામ કરતાં ગેસ લાઈન તૂટી, આગ લાગતાં હિટાચી મશીન સળગી ઉઠ્યું

113

ભૂગર્ભ ગેસ લાઈન તૂટતાં ગેસ લીક થતાં આગ લાગી, ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ પાસે ખોદકામ કરતી વેળાએ ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસ લીકેજ થતા આગ લાગી હતી. જે આગ ફાટી નિકળતા હિટાચી મશીન આગની લપેટમાં આવ્યું હતું. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. જેમાં આજે બુધવારે સવારના સમયે બીએમસીની ટીમ દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ પાસે ડ્રેનેજ લાઈનનું ખોદકામ ચાલી રહ્યું હતું. તે સમયે ભૂગર્ભ ગેસ લાઈન તૂટતાં ગેસ લીક થયો હતો. આથી ખોદકામ કરતો હિટાચી મશીનનો ચાલક વાહન ઘટના સ્થળે છોડી દૂર જતો રહ્યો હતો, એ દરમ્યાન આગ લાગતાં હિટાચી મશીન આગની લપેટમાં આવી ગયું હતું. આ અંગે ફાયરબ્રિગેડ તથા ગુજરાત ગેસના અધિકારીઓને જાણ કરાતાં બંને કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં ગેસનો પ્રવાહ બંધ કરાવી ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં હિટાચી મશીનને ખાસ્સુ નુકશાન થયું હતું, જ્યારે અન્ય કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.

Previous articleCGSTના અધિકારીઓ અને રોલિંગ મીલ ધારકો વચ્ચે ઓફીસની અંદર ઝપાઝપી
Next article18 વર્ષથી નીચેની વયની વિદ્યાર્થિનીઓ માટે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો