મહાપાલિકા દ્વારા ૪ દિવસમાં ૩૩૪ મિલ્કતો સીલ કરવામાં આવી

84

રૂા.૧.૦૩ કરોડનો વેરો ભરીને ૧૯૧ આસામીઓએ સીલ ખોલાવ્યા, ચાર દિવસમાં મિલ્કત વેરાની મનપાને રૂા.૧.૮૫ કરોડની થયેલી આવક
નવા વર્ષના પ્રારંભ સાથે જ મહાપાલિકા દ્વારા શહેરી વિસ્તારના મિલ્કત વેરાના બાકીદારો સામે કડક રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ૧લી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી રિકવરી ઝુંબેશમાં ચાર દિવસમાં જ મહાપાલિકાની અલગ અલગ ટીમોએ શહેરમાંથી ૩૩૪ મિલ્કતોને બાકી વેરા પેટે સીલ મારી જપ્તી કરી હતી. જે પૈકી ૧૯૧ આસામીઓએ તુરંત જ રૂા.૧.૦૩ કરોડનો વેરો ભરી સીલ ખોલાવ્યા હતાં. આ ઉપરાંત જપ્તીની કાર્યવાહીથી બચવા માટે લોકોએ કેસબારી પર પણ વેરો ભરવા કતારો લગાવી હતી. આમ ચાર દિવસમાં જ મહાપાલિકાને મિલ્કત વેરા પેટે રૂા.૧.૮૫ કરોડની માતબર રકમની આવક થવા પામી છે. ભાવનગર શહેરના તમામ ૧૩ વોર્ડમાં કોમર્શિયલ તથા રહેણાંકી મિલ્કતોમાં ૧.૩૦ લાખ આસામીઓને વેરો ભરવાનો બાકી છે ત્યારે મહાપાલિકા દ્વારા એકસાથે ૨૬ ટીમો બનાવી રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને દરરોજ સીલીંગ કામગીરી કરાઇ રહી છે. આજે પણ બપોર સુધીમાં ચાલીસેક મિલ્કતો સીલ કરાઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. આમ મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી રિકવરી ઝુંબેશના કારણે બાકીદારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આ કામગીરી માર્ચના અંત સુધી શરૂ રખાશે તેમ નાયબ કમિશનર દ્વારા જણાવાયું હતું.

Previous article18 વર્ષથી નીચેની વયની વિદ્યાર્થિનીઓ માટે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો
Next articleપ્રોજેક્ટ કંસારા શુધ્ધિકરણ અંતર્ગત ડિમોલેશનની હેટ્રીક