પ્રોજેક્ટ કંસારા શુધ્ધિકરણ અંતર્ગત ડિમોલેશનની હેટ્રીક

21

આજે ત્રીજા ફેઈઝના અંતિમચરણમાં સુભાષનગર પુલથી તિલકનગર પુલ સુધીનાં કંસારામાં ૧૦૦ ઉપરાંત પાકા મકાનો સહિત ૨૬૦ જેટલા ગેરકાયદે દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું
ભાવનગરમાં કંસારા શુધ્ધીકરણ પ્રોજેકટ અંતર્ગત મહાપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી કંસારામાં કરાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે જેના આજે ત્રીજા અને અંતિમ દિવસે સુભાષનગર પુલથી તિલકનગર પુલ સુધી કંસારાના ૨૬૦ જેટલા કાચા પાકા બાંધકામો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી દેવાયુ હતુ. દબાણ હટાવવાની કામગીરી નિહાળવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ભાવનગર શહેરની મધ્યમાં આવેલા કંસારા શુધ્ધીકરણનો પ્રોજેકટ હાથ ધરવાના ભાગરૂપે મહાપાલિકાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા કંસારા કાંઠે કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાનો ઝુંબેશ છેલ્લા ત્રણ દિવસથી શરૂ કરાયો છે. પ્રથમ દિવસે રામમંત્ર મંદિરથી ઘોઘારોડ, બીજા દિવસે ઘોઘારોડ ચૌદનાળાથી સુભાષનગર સુધીના દબાણો હટાવાયા બાદ આજે સવારથી ૬૦ ઉપરાંત પોલીસ જવાનોના કાફલા સાથે મહાપાલિકાની ટીમ સુભાષનગરથી તિલકનગર પુલ સુધીના કંસારામાં થયેલા દબાણો દુર કરવા ત્રણ હિટાચી અને બે જેસીબી મશીનો સાથે પહોચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી. કામગીરી શરૂ થતાની સાથે સુભાષનગર પુલ પર કામગીરી નિહાળવા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. મહાપાલીકાના ટાઉન પ્લાનિંગ અધિકારી વઢવાણીયાએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે ત્રીજા દિવસે અંતિમ ચરણમાં સુભાષનગર પુલથી તિલકનગર પુલ સુધીના ૨૬૦ જેટલા દબાણો હટાવાઈ રહ્યા છે જેમાં ૧૦૦થી વધુ પાકા બાંધકામો છે. આ ઉપરાંત અન્ય ઓટલા તેમજ ઝુપડાઓ મળી કુલ ૨૬૦ બાંધકામો હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મહાપાલિકાનો ૪૦થી વધુનો સ્ટાફ અને ૪૦થી વધુ મજુરો કામે લાગ્યા છે. જ્યારે ૬૦થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત જાળવી રહ્યા છે.