રવિનાના મુશ્કેલ સમયમાં ગોવિંદાએ સાથ આપ્યો હતો

114

મુંબઈ,તા.૬
બોલિવૂડમાં મસ્ત-મસ્ત ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી રવિના ટંડને ૯૦ના દાયકામાં એકથી વધુ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે તે સમયના તમામ મોટા હીરો સાથે કામ કર્યું હતું, પરંતુ ગોવિંદા સાથેની તેની જોડી લોકોને વધુ પસંદ પડી હતી. રવિનાએ ગોવિંદા સાથે દુલ્હે રાજા, આંખિયો સે ગોલી મારે અને બડે મિયાં છોટે મિયાં જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બંનેની જેટલી સારી કેમેસ્ટ્રી સ્ક્રીન પર હતી એટલી જ સારી મિત્રતા આજે પણ સ્ક્રીનની બહાર છે. હાલમાં જ ફિલ્મ કમ્પેનિયનને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે ગોવિંદા સાથે જોડાયેલી ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. રવિના ટંડને ઇન્ટરવ્યુમાં જણાવ્યું કેવી રીતે ગોવિંદાએ મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો. અભિનેત્રીએ કહ્યું, મને હજુ પણ યાદ છે, હું સ્વિટ્‌ઝરલેન્ડમાં ચી ચી (ગોવિંદા) સાથે શૂટિંગ કરી રહી હતી. તે જ સમયે એવા સમાચાર આવ્યા કે હું પરેશાન થઈ ગઈ, હું ચૂપચાપ બેઠી હતી, તે મારી પાસે આવ્યા અને કહ્યું, તમે સાંભળ્યું? મેં કહ્યું, શું? તેણે મને સમાચાર સંભળાવ્યા અને કહ્યું, મેં સાંભળ્યું અને વિચાર્યું કે હું તમને આ કહેનાર પ્રથમ વ્યક્તિ છું. તેણે મારો હાથ પકડ્યો. ત્યાં મારી બાજુમાં બેઠો. હું ચૂપચાપ બેસી રહી. પછી તેણે કહ્યું, ’હિંમત રાખો, અમે બધા છીએ, અમે સાથે છીએ. પોતાના જૂના દિવસોને યાદ કરતાં રવિનાએ કહ્યું, તે સમયે અમે એકબીજાની સાથે વાતો કરતા હતા, કારણ કે તે સમયે મનોરંજનનું બીજું કોઈ માધ્યમ નહોતું, જેના કારણે અમારા વચ્ચે પરિવાર જેવો સંબંધ હતો. પરંતુ વર્તમાન યુગમાં શૂટિંગ વખતે પણ દરેક વ્યક્તિ પોતપોતાના ફોનમાં વ્યસ્ત હોય છે, કોઈ ઈન્સ્ટાગ્રામ માટે ફોટોઝ ક્લિક કરી રહ્યાં હોય છે, તો કોઈ પોતાની કેક કે કોફીની તસવીરો લઈ રહ્યાં હોય છે અથવા વેનિટી વેનમાં કોઈ ફિલ્મ કે ગેમ રમી રહ્યાં હોય છે. ટેક્નોલોજીએ માણસને માણસથી દૂર લઈ લીધો છે. બાય ધ વે, રવિનાએ પણ પોતાની જાતને સમય સાથે અનુકૂળ કરી લીધી છે. તે તેના ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે. ઘણીવાર તે પોતાના વેકેશન કે શૂટિંગની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાહકો તેની નવીનતમ પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર રવિનાના ૬૦ લાખથી વધુ ફોલોઅર્સ છે.