રિવરફ્રન્ટ પરના ફ્લાવર શૉ-પતંગોત્સવ રદ કરાયા

16

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૮ જાન્યુઆરીથી ૧૪મી જાન્યુઆરી સુધી ફલાવર શો યોજાવાનો હતો
અમદાવાદ, તા.૬
કોરોનાના વિસ્ફોટ વચ્ચે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ ૨૦૨૨ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શો રદ્દ કરવાની જાહેરાત કરી છે. વાઈબ્રન્ટ સમિટના પગલે મોડે-મોડે પણ, એએમસીએ આખરે ફ્લાવર શો રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ અમદાવાદના આંગણે યોજાનાર પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેવાની જાહેરાત થતા જ ફ્લાવર શોના રદ થવાની પણ જાહેરાત કરાઈ છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૮ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો યોજાવાનો હતો, જે રદ કરવામાં આવ્યો છે. જોકે, અમદાવાદમાં યોજાનાર ઈન્ટરનેશલ કાઈટ ફેસ્ટિવલ પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ માટે ચોંકાવનારા સમાચાર એ છે કે, શહેરમાં ૪૦ જેટલા નેતા કોરોના સંક્રમિત થયા છે. શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. આ સાથે ૪૦ જેટલા નેતાઓ કોરોનો પોઝિટિવ આવ્યા છે. મંગળવારે આ તમામ નેતાઓ રિવરફ્રન્ટ સ્થિત કાર્યક્રમમાં ધર્મચાર્ય આશીર્વાદ સમારોહમાં હાજર હતા. સમારોહમાં રાજ્યના ૫૦૦થી વધુ સાધુ સંતો હાજર રહ્યા હતા. જેથી સંતોમાં પણ ડર ભરાયો છે. ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, મહામંત્રી ભૂષણ ભટ્ટ, પરેશ લાખાણી, ઉપાધ્યક્ષ દર્શક ઠાકર, પૂર્વ કોર્પોરેટર અમુલ ભટ્ટ કોરોના સંક્રમિત થયા છે.