મકરસંક્રાંતિ પર હરિદ્વાર-ઋષિકેશમાં સ્નાન પર પ્રતિબંધ,ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી શકાશે નહીં

83

હરિદ્વાર,તા.૧૧
કોરોના સંકટ વચ્ચે દેશમાં ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી થવા જઈ રહી છે. આ દિવસે ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવવાની પ્રાચીન પરંપરા છે. લોકો દેશના ખૂણે-ખૂણાથી ગંગામાં ડૂબકી લગાવવા આવે છે. પરંતુ આ વખતે કોરોનાની ત્રીજી લહેરનો કેર મોટાપાયે ચાલુ થઈ ગયો છે. આવામા વહીવટી તંત્ર તરફથી અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ગંગા સ્નાન પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત અન્ય પ્રતિબંધો પણ લાદી દેવામાં આવ્યા છે. હરિદ્વારમાં ૧૪ જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર ગંગા સ્નાન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હરિદ્વારમાં ભાવિકોને કોઈપણ પ્રકારની મંજૂરી આપી નથી. આ સિવાય ટોળે વળવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. ઋષિકેશમાં કોરોનાના કેસો વધતા તંત્રએ તમામ ઘાટો પર સ્નાન પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ સિવાય વારાણસી અને પ્રયાગરમાં પણ અનેક પ્રકારના આકરાં પ્રતિબંધો લગાલી દેવામાં આવ્યા છે. બહારથી આવતા શ્રદ્વાળુઓ માટે આકરી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. તેમજ લાઉડ સ્પીકરથી આ અંગે વારંવાર જાહેરાત કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે.મકરસંક્રાંતિના દિવસે ૧૪ જાન્યુઆરીએ હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. હરિદ્વારના ડીએમ વિનય શંકર પાંડેએ તે દિવસે શ્રદ્ધાળુઓના સ્નાન પર પ્રતિબંધ મૂક્યો છે. બહારના રાજ્યો અને અન્ય જિલ્લાઓમાંથી આવતા ભક્તોને પણ મંજૂરી આપવામાં આવી નથી. મકરસંક્રાંતિના અવસર પર લોકોને સામૂહિક રીતે એકઠા ન થાય તે માટે સ્નાન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઋષિકેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, ત્યાંના પ્રશાસને પણ તમામ ઘાટ પર સ્નાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. અહીં પણ ૧૪ જાન્યુઆરીએ કોઈ પણ ભક્ત ગંગામાં સ્નાન કરી શકશે નહીં. વહીવટીતંત્રના નિર્ણયથી શ્રદ્ધાળુઓ નિરાશ ચોક્કસ છે, પરંતુ કોરોના સંકટ વચ્ચે તેને જરૂરી પગલું માનવામાં આવી રહ્યું છે.