કોરોનાથી સાજા થવાના ૩ મહિના બાદ રસીનો ડોઝ આપવામાં આવશે

62

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સીનને લઈને જાહેર કરી નવી ગાઇડલાઇન : લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે વેક્સીન લગાવવા કે કોરોનાથી સાજા થયા બાદ કેટલા મહિના સુધી એન્ટી બોડી શરીરમાં યથાવત રહે છે
નવી દિલ્હી, તા.૨૨
કેન્દ્ર સરકારે કહ્યું કે, સંક્રમિત થયેલ વ્યક્તિઓના રસીકરણમાં ત્રણ મહિનાનો વિલંબ થશે. તેમાં પ્રિકોશન ડોઝ પણ સામેલ છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે કહ્યુ- મહેરબાની કરીને ધ્યાન આપો- જે વ્યક્તિઓના ટેસ્ટમાં કોવિડ-૧૯ સંક્રમણની પુષ્ટિ થઈ છે, હવે તેને સાજા થવાના ત્રણ મહિના બાદ વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. તેમાં પ્રિકોશન ડોઝ પણ સામેલ છે. શીલે કહ્યુ- હું વિનંતી કરુ છું કે સંબંધિત અધિકારી તેનું ધ્યાન રાખે. હકીકતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યા બાદ ફરી દેશમાં વેક્સીનેશનની ગતિ વધારી દેવામાં આવી છે. વાયરસના બચાવ માટે સરકાર ઘણા માધ્યમો દ્વારા જાગરૂકતા ફેલાવી રહી છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે વેક્સીન લગાવવા કે કોરોના સંક્રમણથી સાજા થયા બાદ કેટલા મહિના સુધી ઇમ્યુનિટી એટલે કે એન્ટી બોડી શરીરમાં યથાવત રહે છે. લોકોના મનમાં ઉઠી રહેલા સવાલને લઈને આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે જાણકારી આપી છે. બલરામ ભાર્ગવ પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીના સાજા થયાના કે વેક્સીનના બંને ડોઝ લીધા બાદ ૯ મહિના સુધી એન્ટીબોડી હાજર રહે છે. આઈસીએમઆરના ડીજી પ્રમાણે વેક્સીનથી મળેલી ઇમ્યુનિટીને લઈને ભારતમાં અભ્યાસ થયો અને ગ્લોબલ સ્તર પર પણ રિસર્ચ થયું છે. આ સ્ટડીથી સ્પષ્ટ છે કે એન્ટી બોડી આશરે ૯ મહિના સુધી શરીરમાં જીવિત રહે છે. સાંજે ૭ વાગ્યે કોવિન પોર્ટલના ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં એન્ટી-કોરોના રસીના કુલ ૧૬૧.૦૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમાં ૯૨.૫૮ કરોડ પ્રથમ ડોઝ અને ૬૭.૭૬ કરોડ બીજા ડોઝનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ૭૧.૨૭ લાખ પ્રિકોશન ડોઝ પણ લગાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ ૧૫૯.૯૧ કરોડ ડોઝ મફતમાં આપવામાં આવ્યા છે. તેમની પાસે હજુ પણ ૧૨.૭૩ કરોડ ડોઝ બાકી છે જેનો ઉપયોગ કરવાનો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ સીધી ખરીદી વ્યવસ્થા હેઠળ કેટલાક ડોઝની ખરીદી કરી હતી.