મારુતી-એક્સિસના શેરોની તેજીએ બજારને પાટા પર ચઢાવ્યું
મુંબઈ, તા.૨૫
સ્થાનિક શેરબજારોમાં સેન્સેક્સ મંગળવારે ૫૭,૧૫૮ પોઈન્ટ પર ખુલ્યો હતો અને તે પછી ૩૬૬ પોઈન્ટ વધીને ૫૭,૮૫૮ પર બંધ થયો હતો. મારુતિ, એક્સિસ બેંક સહિતના દોઢ ડઝન રજિસ્ટર્ડ શેર લીલા નિશાન પર બંધ થયા હતા. નિફ્ટી ૫૦ પણ મજબૂત રહ્યો હતો અને ૧૧૮ પોઈન્ટ વધીને ૧૭,૨૬૭ પર બંધ રહ્યો હતો. અગાઉ, શેરબજારોમાં સોમવારે સતત પાંચમા કારોબારી સત્રમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. ભારે વેચવાલી વચ્ચે રોકાણકારોની રૂ. ૧૯,૫૦,૨૮૮.૦૫ કરોડની મૂડી પાંચ દિવસમાં ડૂબી ગઈ છે. બીએસઈ ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૧,૫૪૫.૬૭ પોઈન્ટ અથવા ૨.૬૨ ટકા ઘટીને ૫૭,૪૯૧.૫૧ પોઈન્ટ રહ્યો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નો નિફ્ટી ૪૬૮.૦૫ પોઈન્ટ અથવા ૨.૬૬ ટકા ઘટીને ૧૭,૧૪૯.૧૦ પર બંધ થયો હતો. બે મહિનામાં શેરબજારમાં એક દિવસનો આ સૌથી મોટો ઘટાડો હતો. ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ છેલ્લા પાંચ સત્રમાં ૩,૮૧૭.૪ પોઈન્ટ અથવા ૬.૨૨ ટકા તૂટ્યો છે.
પાંચ દિવસથી ચાલી રહેલી વેચવાલી વચ્ચે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૧૯,૫૦,૨૮૮.૦૫ કરોડ ઘટીને રૂ. ૨,૬૦,૫૨,૧૪૯.૬૬ કરોડ થયું છે. માત્ર સોમવારે જ બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. ૯,૧૩,૬૫૧.૮૮ કરોડનો ઘટાડો થયો હતો. રસપ્રદ વાત એ છે કે, લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન ૧૭ જાન્યુઆરીએ રૂ. ૨૮૦ કરોડની વિક્રમી ટોચે પહોંચી હતી. ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ છ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ટાઇટન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચસીએલ ટેક પણ મોટી ખોટમાં હતા. જુલિયસ બેરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિલિંદ મુચાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય બજારો નોંધપાત્ર દબાણ હેઠળ છે. તે તાજેતરના ઉચ્ચ સ્તરેથી ૭ ટકા નીચે છે. પતન સર્વાંગી છે. તાજેતરના આઈપીઓ ધરાવતી નવા જમાનાની કંપનીઓમાં ઘટાડો વધુ તીવ્ર છે. તે જ સમયે, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટ વધારવા અંગે પણ ચિંતા છે, જેણે વિશ્વના અન્ય મુખ્ય બજારોમાં ઘટાડા સાથે સ્થાનિક બજારોમાં ઘટાડો કર્યો છે.



















