મૃતકોના પરિવારને વળતર આપી સરકાર ઉપકાર નથી કરતી : સુપ્રીમ

74

કોરોનામાં માર્યા ગયેલાના પરિવારને વળતર મુદ્દે સુપ્રીમનું આકરૂં વલણ : સુપ્રીમ કોર્ટે ફરીથી ગુજરાત સરકારની ઝાટકણી કાઢી, સરકાર ૧૦૫૮૦ લોકોનાં મોતનું સમર્થન કરે છે, એક લાખ લોકોએ વળતરનો દાવો કર્યો છે
નવી દિલ્હી, તા.૪
ગુજરાતમાં કોરોનાથી માર્યા ગયેલા લોકોને વળતર આપવાના મામલે સુપ્રીમ કોર્ટે એકવાર ફરીથી ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે, કલ્યાણકારી રાજ્ય મહામારીમા માર્યા ગયેલા લોકો પર કોઈ ઉપકાર નથી કરી રહી. રાજ્ય સરકાર ગુજરાતમાં કોરોના સંક્રમણથી ૧૦૫૮૦ લોકોની પુષ્ટિ કરે છે. પરંતુ કોરોનાથી જે પરિવારોમાં મોત થયા છે તેવા અંદાજે ૧ લાખ પરિવાર વળતરનો દાવો કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યુ કે, શુ તમે કોરોનાથી માર્યા ગયેલા લોકોના નામ, મોતની તારીખ તથા તેમના સરનામાનુ લિસ્ટ અદાલતમાં રજૂ કરી શકો એમ છો. ગુજરાત સરકારે આ પહેલા અદાલતને જણાવ્યુ હતુ કે, સરકાર કોરોનામા માર્યા ગયેલા લોકોના સ્વજનોને ૫૦-૫૦ હજાર વળતર આપી રહી છે. અદાલતે આ મામલે કહ્યુ કે, કલ્યાણકારી રાજ્યમાં સરકાર મહામારીમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપીને કોઈ ઉપકાર નથી કરી રહી, કારણ કે એ તેની જવાબદારી છે. અદાલતે સરકારને કહ્યુ કે, રાજ્યમાં માર્યા ગયેલા લોકોનો આંકડો ગૂંચવાઓ નહિ. ગુજરાત સરકાર આ પહેલા કોરોનાથી માર્યા ગયેલા લોકોની સંખ્યાને લઈને અદાલત સામે અલગ અલગ વિરોધાભાસી આંકડા રજૂ કરી ચૂકી છે. અદાલતે ડેથ ઓફ કોઝમાં બતાવવામાં આવેલ કારણો પર પણ સવાલ કર્યા છે. સુપ્રીમે મોત મામલે દર્શાવેલી નારાજગી મામલે આરોગ્ય મંત્રીએ કહ્યુ કે, ભૂતકાળમાં કોરોનાના કેસ અને મૃત્યુની જે ગાઈડલાઈન હતી એ કોર્ટ મુજબ કરી છે. સુપ્રીમ કોર્ટ જે બાબતે ધ્યાન દોરશે, એ મુજબ આગળ વધીશું, એને ફોલો કરીશું. કોરોનાથી થયેલા મોતના આંકડા છુપાવા મુદ્દે ગુજરાત કોંગ્રેસ આક્રમક તેવરમાં આવ્યુ છે. કોવિડના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને ન્યાય અપાવવા કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. ૭ ફેબ્રુઆરીના રોજ કોગ્રેસ ૩૩ જિલ્લા અને આઠ મહાનગરોમાં આવેદન પત્ર આપશે. કોંગ્રેસના નેતાઓ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પત્ર આપશે. ન્યાય યાત્રા થકી એકઠા કરેલા આંકડા સાથે પીડિત પરિવાર ને ચાર લાખનું વળતર આપવા માંગ કરશે. આ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next article૨૪ કલાકમાં કોરોનાના એક લાખ ૪૯ હજાર ૩૯૪ કેસ