કોરોના વિરુદ્ધ જંગમાં ભારતે મેળવી મોટી સિદ્ધિ : DNA આધારિત ઝાયકોવ-ડી ભારતની પહેલી નીડલ ફ્રી અને બીજી સ્વદેશી કોવિડ-૧૯ રસી છે
નવી દિલ્હી, તા.૬
ભારત કોવિડ-૧૯ વિરુદ્ધ DNA રસી લગાવનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. DNA આધારિત ઝાયકોવ-ડી ભારતની પહેલી નીડલ ફ્રી અને બીજી સ્વદેશી કોવિડ-૧૯ રસી છે. આ રસીથી સોયથી ડરનારા લોકોને રાહત મળશે. હવે કોઈ પણ દુખાવા વગર રસીકરણ થઈ શકશે. આ બાજુ કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૦૭ લાખ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૧,૦૭,૪૭૪ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૨,૧૩,૨૪૬ દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. હાલ દેશમાં કોરોનાના ૧૨,૨૫,૦૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૮૬૫ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ૫,૦૧,૯૭૯ થયો છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ૭.૪૨% થયો છે. રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોના રસીના ૧,૬૯,૪૬,૨૬,૬૯૭ ડોઝ આપવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે એવા સમયે દેશમાં આ રસી લોન્ચ કરાઈ છે જ્યારે ભારતમાં કોવિડ-૧૯ના સક્રિય કેસ ઘટી રહ્યા છે. હાલ દેશમાં રિકવરી રેટ પણ વધીને ૯૫.૬૪ ટકા થયો છે.



















