ધારાસભ્યો અને સાસંદને રજૂઆત કરવા છતાં આજદિન સુધી ઉકેલ નહીં : જો પાણી આપવામાં નહી આવે તો આગામી દિવસોમાં જલધ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ
ભાવનગરમાં શૈત્રુજી ડેમનું પાણી ખેડૂતોને નહીં મળતાં ખેડૂત એકતા મંચ દ્વારા ગામો-ગામ બાઈક રેલી યોજી હતી. તેમજ આજે સાંજે શેત્રુંજી ડેમના અધિકારીઓને ચર્ચા-વિચારણા કરવા બોલાવ્યા છે. જો નહીં આવે તો આગામી દિવસમાં જલધ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોળીયાક સેક્શના લાખણકા ગામેથી આજે સવારે ૯ વાગ્યા થી શૈત્રુજી કેનાળ ઉપર બાઈક રેલી શરૂ થઈ હતી. જેટલા ગામોમાં રેલી પહોંચી હતી ત્યાં તમામ ગામોમાં ખેડૂતો સાથે મિટિંગ યોજી હતી. કેનાળ ઉપર આવતાં લાખણકા-થરસળ-ખડસલીયા-ભડભડીયા-હાથબ-કોળીયાક-કુડા-નવાજુના રતનપર-ભુભલી-ભુતેશ્ર્વર અને છેલ્લે અવાણીયા ગામના ચોરે સાંજના ચાર વાગ્યે મીટીંગ યોજી રેલી પૂર્ણ કરાશે.

આ અંગે ખેડૂત એકતા મંચના પ્રમુખ ભરતસિંહ તરેડીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમમાં પાણી વિપુલ પ્રમાણમાં છે, તો પછી કેમ ડાબા અને જમણા કેનાલમાં તંત્ર દ્વારા ૨ મહિના જ પાણી આપે છે બાકી ૧૦ મહિના ખાલી ખમ હોય છે. પાણી વગર ખેડૂતો પાક કેમ લે, જેના માટે હું ૨૦૧૫ થી લડત ચલાવી રહ્યો છું. આજે શેત્રુંજી સિંચાઈ વિભાગના અધિકારીઓ હાજરી નહીં આપે તો શેત્રુંજી ડેમના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની કચેરી સામે પાણીની કોથળીયું, હાથ પગે ઘૂઘરા બાંધી, તબલા વગાડી, પેટી મંજીરા વગાડી રાસ ગરબા જેવા આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે. આ બાઇક રેલીમાં ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા તરેડી અને તળાજા પ્રમુખ અશોકસિંહ કે સરવૈયા સહિતના ગામોના આગેવાન ખેડૂતો હાજર રહ્યાં હતાં. શૈત્રુજીડેમનું પાણી ખેડૂતોને નીયમસર મળે તે માટે રેલી યોજી હતી. કેનાળનુ કામ શું થયું છે અને કયું કામ કરવાનું બાકી છે તે સ્થળપર તપાસ કરી અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. શૈત્રુજી ડેમનું પાણી ખેડૂતોને યોગ્ય રીતેથી મળી રહે તે માટે અગાવ મહુવા, તળાજા, પાલીતાણા, ઘોઘાના ધારાસભ્યો અને ભાવનગરના સાસંદને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ઉકેલ આવ્યો ન હતો. જેથી ખેડૂત એકતા મંચ દ્વારા બાઈક રેલી યોજી હતી. આ ઉપરાંત અગાઉ અવાણીયા કેનાળનુ કામ શરૂ નહી થતા તેજાબી આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી, તેના પ્રભાવથી તંત્રએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ત્યાગ દિવસે તા.૧૫/૧/૨૦૨૧ ના રોજ અવાણીયાથી કેનાળનુ કામ શરૂ કર્યું હતું તેથી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી. બે મહિનામાં એસ્ટીમેટ બનાવી મંજૂરી માટે ફાઇલ ઉપલા અધિકારીને મોકલવાની બાંહેધરી આપી હતી છતાં આજે ૧૩ મહિના પુરાં થયાં પણ કશું થયું નથી તે તંત્રની ઘોર બેદરકારી અને આળસ ગણાય તેનો ઉકેલ ખુબ જ જરૂરી છે.
















