૧૦ રૂપિયામાં એક ટામેટું !!!

35

પેટ્રોલ અને ડીઝલના ભાવે એક કિલો ટામેટાં મળતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા
ટામેટાંના વધતા ભાવથી સ્થિતિ એવી થઈ છે લગભગ ૧૦ રૂપિયામાં એક ટામેટું મળી રહ્યું છે.ભાવનગરમાં ટામેટાં ૮૦ થી ૧૦૦ રૂપિયાના ભાવે એક કિલો વેચાઈ રહ્યા છે. એક કિલો ટામેટાંમાં ૮ થી ૧૦ નંગ આવતા હોય છે. જેથી સરેરાશ એક ટામેટું ૧૦ રૂપિયામાં લોકોને પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવે એક કિલો ટામેટાં મળતા હોવાથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી પણ ટામેટાં અદ્રશ્ય થઈ રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે માલની અછતના લીધે ટામેટાં સહિતના શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષે શિયાળામાં ટામેટાં ૧૦ રૂપિયાના ભાવે એક કિલો વેચાતા હતા. જેમાં આજે ૧૦ ગણો વધારો થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાક ધોવાઇ જતા માલની અછત ઊભી થઈ છે. જેથી કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ઊંચા ભાવે ટામેટાં ખરીદવા પડે છે. રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ટામેટાં પાકે છે પરંતુ વાતાવરણમાં પલટો આવતા શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે. જેથી ટામેંટા સહિત ડુંગળીના ભાવમાં પણ વધારો થયો છે. આમ પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તો બીજી તરફ ઊંચા ભાવથી લોકો પણ લૂંટાઈ રહ્યા છે. જેમાં વેપારીઓ અને વચેટિયા માલામાલ થઈ રહ્યા છે. દેશના ઉત્તરીય રાજ્યોમાંથી ટામેટાંનું આગમન ડિસેમ્બરની શરૂઆતથી શરૂ થશે, જે ઉપલબ્ધતામાં વધારો કરશે અને કિંમતોમાં રાહત આપશે. પંજાબ, ઉત્તર પ્રદેશ,
હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કમોસમી વરસાદને કારણે સપ્ટેમ્બરના અંતથી ટામેટાંના છૂટક ભાવ વધવા લાગ્યા હતા. ઉત્તર ભારતીય રાજ્યોમાંથી વિલંબિત આગમનને કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ભારે વરસાદ પડ્યો, પુરવઠો ખોરવાયો અને પાકને નુકસાન થયું. પરંતુ ડિસેમ્બર આવ્યા બાદ પણ ટામેટાના ભાવ ઘટવાના કોઈ અણસાર દેખાતા નથી.