ઢોર દીઠ ૬ હજાર ચુકવી જેતલપુર પાંજરાપોળમાં ખસેડાશે

109

મંગળવારે મળનારી ભાવનગર મહાપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં ઢોરનાં પ્રશ્ન સહિત ૨૪ ઠરાવોને ચર્ચા કરી બહાલી અપાશે
ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે રખડતા ઢોરનાં કારણે શહેરનાં વિવિધ વિસ્તારોમાં દરરોજ નાના-મોટા અકસ્માતો થયા કરે છે ઢોરનાં કારણે લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બની રહ્યું છે અને ઢોરનાં ત્રાસમાંથી મુક્ત કરાવવા લોકો દ્વારા વાંરવાર રજુઆતો કરાઈ શહેરમાં બનાવાયેલા બે ઢોરનાં ડબ્બા પણ ઢોરથી છલકાઈ ગયા છે. ત્યારે તેની અસર તંત્ર ઉપર થઈ હોય તેમ મહાપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યુ છે અને આગામી તા.૧૪ને મંગળવારે મળનારી કારોબારી સમિતિની બેઠકમાં દરેક ઢોર દીઠ રૂા.૬ હજાર ચુકવી રાધાકૃષ્ણ પાંજરાપોળ જેતલપુર ખાતે ખસેડવાનો નિર્ણય કરવામાં આવનાર છે. ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય થઈ રહ્યો છે. તાજેતરમાં જ એક વ્યક્તિ પર રખડતા ઢોરે હુમલો કરવાનો વિડીયો વાયરલ થયેલો આ ઉપરાંત રોજબરોજ વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે નાના મોટા અકસ્માતો બની રહ્યા છે. તંત્ર દ્વારા દૈનિક ૧૦ થી ૧૫ ઢોર પકડી શહેરમાં બનાવાયેલા બે ઢોરના ડબ્બામાં પુરવામાં પણ આવે છે હવે પરિસ્થિતી એવી થઈ ગઈ છે કે ઢોરના ડબ્બા પણ રખડતા ઢોરથી છલકાઈ જવા પામ્યા છે અને હવે તેમાં પણ જગ્યા રહી નથી ત્યારે તંત્ર દ્વારા હવે આ ઢોર કોઈ પાંજરાપોળ સ્વિકારે તેવી કવાયત હાથ ધરેલી અને ટેન્ડરો પણ બહાર પાડેલા જેમાં રાધાકૃષ્ણ પાંજરાપોળ જેતલપુર દ્વારા ઢોરને નિભાવ તેમ લઈ જવા સહિતના રૂા.૬ હજારના ખર્ચ સાથેનો ભાવ આપેલો જેને આગામી તા.૧૪ને મંગળવારના રોજ ભાવનગર મહાપાલિકાની કારોબારી સમિતીની મળનારી બેઠકમાં મંજુરી આપવામાં આવશે.
ઢોરના ડબ્બામાં ૫૦૦ ઉપરાંત ઢોર હાલમાં મોજુદ છે ત્યારે રાધાકૃષ્ણ પાંજરાપોળની ક્ષમતા પ્રમાણેના ઢોર રૂા.૬ હજાર ચુકવી મોકલવાનો નિર્ણય કરવામાં આવશે. ચેરમેન ધીરૂભાઈ ધામેલીયાના અધ્યક્ષસ્થાને મંગળવારે મળનારી કારોબારી સમિતીની બેઠકમાં ઢોરના પ્રશ્ન ઉપરાંત બોરતળાવ હરીરામ સોસાયટીના કોમન પ્લોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બાંધકામની મંજુરી, કરચલીયા પરામાં ચાલતા પેવીંગ બ્લોકના કામની સમય મર્યાદામાં વધારો કરવા, શેત્રુંજી પંપીંગ સ્ટેશન, નિર્મળનગર ફિલ્ટર પ્લાન્ટ, તખ્તેશ્વર ફિલટર પ્લાન્ટ સહિતમાં મોટર સહિતના રિપેરીંગ કામના ખર્ચને મંજુરી આપવા ઉપરાંત નિર્મળનગર પે એન્ડ યુઝ શૌચાલયની ૧૦ વર્ષની સંચાલનની મુદત પૂર્ણ થતા સંચાલનની મુદતમાં વધારો કરવા તેમજ ડ્રેનેજ વિભાગના વિવિધ કામો અને વિવિધ વિભાગોના કરાયેલા કામોના બિલો મંજુર કરવા વિવિધ કામોની ટેન્ડર પ્રક્રિયાને મંજુરી આપવા અને રોજમદાર સફાઈ કામદારોને કરેલા કામનું વેતન ચુકવવા સહિતના ૨૪ ઠરાવો પર ચર્ચા કરી બહાલી આપવામાં આવશે.

Previous articleભાલ પંથકમાં ગેરકાયદે ચાલતા મીઠાના અગર દૂર કરવા માંગ
Next article૧૦ રૂપિયામાં એક ટામેટું !!!