વલ્લભીપુર APMCમાં ભાજપ તરફથી ચૂંટાયેલા ગાબાણીના પુત્રએ APMCનું બિલ્ડીંગ બનાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી

79

ખેડૂતોને માલ વેચવા માટે માર્કેટની કોઈ વ્યવસ્થા નથી
ભાવનગર જિલ્લાનો વલ્લભીપુર તાલુકો મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આ વિસ્તારમાં કપાસ, જાર, જીરું, ચણા, તલ તેમજ શાકભાજી અને નાની બાગાયતી ખેતી થાય છે. વલ્લભીપુર તાલુકામાં વર્ષોથી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થતી આવે છે, પણ ખેડૂતોને માલ વેચવા માટે માર્કેટની કોઈ વ્યવસ્થા નથી. યાર્ડ માટે મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી પણ આપવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ માત્ર ચોપડા ઉપર બોલે છે. ત્યારે APMCની ગત ચૂંટણીમાં ભાજપ તરફની પેનલમાંથી ચૂંટાયેલા નરશીભાઈ ગાબાણીના પુત્રએ સંબંધિત વિભાગોને તથા સ્થાનિક નેતાઓને વલ્લભીપુરમાં એ.પી.એમ.સી.નું બિલ્ડીંગ સત્વરે બાંધી આપવા રજૂઆત કરી છે.
વર્ષોથી દર ચૂંટણી ટાણે માર્કેટીંગ યાર્ડનાં મકાનનાં બાંધકામ માટે વચનો અપાય છે, પણ રાજકીય ઈચ્છા શક્તિનાં અભાવે હજુ સુધી મકાનનું બાંધકામ ચાલુ થયું નથી. તાલુકાનાં ખેડૂતોને માલ વેંચવા માટે બોટાદ કે ભાવનગર માર્કેટિંગ યાર્ડ સુધી જવું થવું પડે છે. જેમાં સમય અને પૈસાની બરબાદી થાય છે. યાર્ડના મકાન બાંધકામ માટે શહેરનાં હેલિપેડ તરીકે ઓળખાતા ગ્રાઉન્ડની જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે. છતાં હાલ વલ્લભીપુર એ.પી.એમ.સી. માત્ર કાગળ ઉપર જ અસ્તિત્વ ધરાવે છે. વલ્લભીપુર તેમજ આજુબાજુના તાલુકાનાં ખેડૂતોનાં હિત માટે માર્કેટીંગ યાર્ડનાં મકાનનું બાંધકામ કરી વેપાર ચાલુ કરવા માટે તત્કાળ ઘટતું કરવા ભાવેશ નરશીભાઈ ગાબાણીએ સહકાર મંત્રી જગદીશભાઇ પંચાલ, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, ભાવનગરના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ સહિતનાને રજૂઆત કરી છે.

Previous articleતળાજા નગરપાલિકાનું 70 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી નીકળતા કનેક્શન કાપ્યું, એક કલાકમાં નાણાં ભરપાઈ થતા ફરી શરૂ
Next articleરાણપુર ખાતે સંત શિરોમણી રોહિદાસ બાપાની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાઈ