ભાવનગર ડિસ્ટ્રિકટ કો.ઓપરેટિવ બેંકમાં લહેરાયો કેસરીયો

299

ભાવનગરના સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનો સફાયો : સતત બે દાયકાથી ચેરમેન પદ ભોગવતા કોંગ્રેસના નાનુભાઈ વાઘાણીનો કારમો પરાજય પોતે હાર્યા, પુત્રને પણ ન જીતાડી શક્યા અને માત્ર ત્રણ બેઠક મળી : ૧૬ પૈકી ૧૩ બેેઠકો જીતી ભાજપે જિલ્લા સહકારી બેંકમાં મેળવ્યો કબ્જો
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની ગત તારીખ ૨૮ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી થઈ હતી જેમાં ૧૬ બેઠકોમાંથી ૧૩ બેઠકો પર ભાજપનો વિજય થતા કોંગ્રેસના શાસનનો અંત આવ્યો હતો અને સહકારી ક્ષેત્રે ભાજપનો ઉદય થયો છે અને ભાજપ હવે કોંગ્રેસ પાસેથી આંચકી સત્તારૂઢ થયું છે છેલ્લા બે દાયકાથી ચેરમેન પદ ભોગવી રહેલા કોંગ્રેસના નાનુભાઈ વાઘાણીનો પણ ચૂંટણીમાં કારમો પરાજય થયો છે આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજોને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપનો સહકારી બેંકમાં વિજય થતાં આગેવાનો અને કાર્યકરોએ વિજય સરઘસ કાઢ્યું હતું અને વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની છેલ્લા એક વર્ષથી યેનકેન પ્રકારે ચૂંટણી થવા પામી ન હતી અને કોંગ્રેસ શાસન કરી રહી હતી દરમિયાન બેન્કની ચૂંટણી જાહેર થઇ અને ભાજપ તથા કોંગ્રેસ ની પેનલના ઉમેદવારોના ફોર્મ ભરાયા જેમાં ચકાસણીના અંતે સાવરકુંડલા બેઠક પર ભાજપના દીપકભાઈ માલાણી, જેસર બેઠક પર ભાજપના બળદેવસિંહ સરવૈયા તેમજ ખ વીભાગમાં કોંગ્રેસના અમિતભાઈ લવતુકા બિનહરીફ જાહેર થયેલ આથી ૧૬ બેઠકો પૈકી ૧૩ બેઠકોની ચૂંટણી ૨૮ ફેબ્રુઆરીએ યોજાયેલ જેમાં કુલ ૨૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. જેમાં ૯૬ ટકા ઉપરાંત ભારે મતદાન થવા પામ્યું હતું ભાજપ અને કોંગ્રેસે પ્રચારમાં તનતોડ મહેનત કરી હતી મતદાન થયા બાદ આજે વીટીસી સેન્ટર ખાતે મતગણતરી શરૂ થવા પામી હતી જેમાં એક પછી એક બેઠકના પરિણામો આવવા લાગ્યા હતા અને એક વાગ્યા સુધીમાં તમામ પરિણામો આવી ગયા હતા જેમાં કોંગ્રેસને મતદાન થયેલી ૧૩ પૈકી માત્ર બે બેઠક પર જીત મળી હતી. મતગણતરી શરૂ થતાની સાથે જ પ્રથમ ઘોઘા બેઠકનું પરિણામ જાહેર થયેલ જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્વિજયસિંહ ગોહિલનો માત્ર બે મતે પરાજય થયો હતો જેમાં કોંગ્રેસના સુરપાલસિહ ગોહિલ વિજેતા થયા હતા. આ ઉપરાંત તળાજા બેઠક પર પૂર્વ મેયર સુરેશભાઈ ધાંધલીયાના પિત્રાઇ ભાઈ કાંતિભાઈ ધાંધલીયા ભાજપમાંથી વિજેતા થયા હતા જ્યારે મહુવા બેઠક પર ભાજપના જીલુભાઇ ભુકણનો વિજય થયો હતો. પાલીતાણા બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ ખેલાયો હતો જેમાં વર્તમાન ચેરમેન કોંગ્રેસના નાનુભાઈ વાઘાણી અને ભાજપના નાગજીભાઈ વાઘાણી વચ્ચે ચૂંટણી થયેલ તેમાં વર્તમાન ચેરમેન નાનુભાઇ વાઘાણીનો ૧૪ મતે પરાજય થયો હતો. ગારિયાધાર બેઠક પર ભાજપના કેશુભાઈ નાકરાણી વિજેતા થયેલ તેઓ નવી બોડીમાં ચેરમેન પદના પ્રબળ દાવેદાર ગણાય રહ્યા છે શિહોર બેઠક પર ભાજપના માનસંગભાઈ નકુમ તેમજ વલભીપુર બેઠક પર ભાજપના અજીતસિંહ ગોહિલનો વિજય થયો હતો આ ઉપરાંત ઉમરાળા બેઠક પર ભાજપના જગદીશભાઈ ભીંગરાડિયા અને ભાવનગર બેઠક પર ભાજપના ભુપતભાઈ બારૈયાનો વિજય થયો હતો આ બેઠક પર કોંગ્રેસના ભીખાભાઈ જાજડીયાનો પરાજય થવા પામેલ છે જ્યારે બોટાદ બેઠક પર ભાજપના દામજીભાઈ મોરડીયા અને ગઢડા બેઠક પર ભાજપના રવજીભાઈ રાજપરાનો વિજય થયો છે.જયારે ગ વિભાગમાં વર્તમાન ચેરમેન નાનુભાઈ વાઘાણીના પુત્ર મનનભાઇ વાઘાણી સામે ભાજપે પોતાના ઓફીશ્યલ ઉમેદવારો મહેન્દ્રસિંહ સરવૈયા, મહેન્દ્રભાઈ પનોત સહીત ચાર સભ્યોના ફોર્મ પાછા ખેચાવી અપક્ષમાંથી ઉમેદવારી કરનાર જયવંતસિંહ જાડેજાના દીકરી ભાવનાબેન જે જાડેજાને ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા અને તેમનો ભવ્ય વિજય પણ થયો છે.
આ ઉપરાંત ઘ વિભાગમાં સહકારી ક્ષેત્રના દિગ્ગજ કહી શકાય તેવા કોંગ્રેસના વલ્લભભાઈ કટારીયાનો વિજય થયો હતો તેની સામે ભાજપના ઉમેદવાર બાબુભાઈ સોલંકીનો પરાજય થયો હતો આમ જિલ્લા સહકારી બેંકની ૧૬ બેઠકો પર ભાજપના ૧૩ અને કોંગ્રેસના માત્ર ત્રણ ઉમેદવારો વિજય થયા છે. હવે જિલ્લા સહકારી બેંક પર ભાજપનું શાસન આવ્યુ છે. અને ભાજપ દ્વારા ચેરમેન પદે ધારાસભ્ય એવા કેશુભાઈ નાકરાણીના નામની જાહેરાત પણ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે જિલ્લા બેંક પર કેસરીયો લહેરાતા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે પરિણામ બાદ તુરંત જ ભાજપે વિજયોત્સવ મનાવ્યો હતો.

Previous articleરાણપુરમાં લિંબડી રોડ ઉપર બાઈક સ્લીપ ખાતા ચાલકનું મોત,મૃતકની આંખનું દાન કરાયુ.
Next articleસહકારી બેંકની મત ગણતરીમાં વિધાનસભા જેવો માહોલ, ઉમેદવારોના સમર્થકોના ટોળા ઉમટ્યા : આતશબાજી