ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વડાળ ગામે શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો

93

આવનારી પેઢીના શિક્ષણને સુરક્ષિત કરતું ગામનું ‘વ્હોટ્સ એપ ગૃપ’
આજના જમાનામાં સામાન્ય રીતે ‘વ્હોટ્સ એપ ગૃપ’ ટોળટપ્પાં કરવાં, સવારે ગુડ મોર્નિંગના મેસેજ મોકલવા અને અન્ય બિનજરૂરી બાબતો માટે મર્યાદિત થઈ ગયું છે. ત્યારે આ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તેનો ઉમદા દાખલો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વડાળ ગામના ‘ગામનો ચોરો’ નામના વ્હોટ્સ એપ ગૃપે પૂરો પાડ્યો છે. ગામના યુવાનો દ્વારા ચલાવવામાં આવતા આ ગૃપ દ્વારા ગામના સામાજિક, શૈક્ષણિક વિકાસ માટે વિવિધ મદદ અને સહાય કરવામાં આવે છે. તે અંતર્ગત વડાળ પ્રાથમિક શાળા ખાતે ‘ગામનો ચોરો’ વોટ્સએપ ગ્રૂપ દ્રારા ધો.1 થી 8 ના બાળકોને પ્રોત્સાહિત કરવાં માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ બાળકોને યથાયોગ્ય ઇનામો આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ગૃપ છેલ્લા એક વર્ષથી વડાળ ગામમાં કોઈપણ યુવાનનો જન્મદિન હોય, કોઈના ઘરે દીકરા- દિકરીનો જન્મ થાય, ગામના કોઈપણના ઘરે સારો પ્રસંગ હોય ત્યારે ગામના તમામ લોકો દ્વારા આ ગૃપને અપાયેલ અનુદાનમાંથી તેની ઉજવણી કરવામાં આવે છે. આ રીતે ગામમાં સામાજિક સામિપ્ય, સમરસતા, સૌહાર્દ અને એકતાનું પણ સર્જન થયું છે. ગામ લોકો તથા દાતા દ્વારા અપાયેલી આ રકમનું ગામના નવ યુવાનો દ્વારા સરસ અને સરળ પારદર્શક વહીવટ કરવામાં આવે છે અને તે દ્વારા ગામના વિકાસમાં સહભાગી બનવામાં આવે છે. સરાહનીય અને પ્રસંશનીય એવાં આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે વડાળ ગામના ‘ગામનો ચોરો’ વોટ્સએપ ગૃપના યુવાનો અને વડાળ પ્રાથમિક શાળાના શિક્ષકગણ સાથે મળી જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં પુસ્તક(ફુલ સ્કેપ નોટ) નું દાન હર્ષભાઈ શાહ, ટીમ મુંબઈ, મહારાજ તરફથી કપડાં અને બીજા બધાં ઇનામો ‘ગામનો ચોરો’ ગૃપ તરફથી આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ધમોબુદ્ધિ મહારાજ અને નયોબુદ્ધિ મહારાજ તદ્દઉપરાંત જીલ્લા પંચાયતના સભ્ય મુનાભાઈ કામળિયા તાલુકા પંચાયતના સભ્ય હરેશભાઇ કામળિયા, વડાળના સરપંચ વનરાજભાઈ કામળિયા, ભડારીયા શાળાના પૂર્વ આચાર્ય ભડારીયા બીજલભાઈ, ભડારીયા આચાર્ય સુરેશભાઈ વાઢેર ,ભડારીયા શિક્ષક સર્વ પ્રફુલભાઈ વિજયસિંહ મોરી અને વડાળ ગામના વડીલો, યુવાનો સહિતના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleગારિયાધારથી પાલિતાણા રોડ પર ખાનગી ટ્રાવેલ્સમાં અગમ્ય કારણોસર આગ લાગી, સદનસીબે જાનહાનિ ટળી
Next articleએલ.પી.કાકડીયા વિધાભવન-નવાગામ(ગા.)માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરાઈ