ભાવનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

66

માતા યશોદા એવોર્ડ અને વ્હાલી દિકરી યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું : મહિલાઓ વાત્સલ્ય અને સેવાની કરૂણામૂર્તિ છે : મેયર કિર્તીબેન દાણીધારીયા
મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ઉપક્રમે આજે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે સમગ્ર રાજ્યમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાવનગર ખાતે મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપાયી ઓપનએર થિયેટર ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં મેયરશ્રીએ મહિલા દિનની શુભકામનાઓ આપતાં જણાવ્યું કે, મહિલાઓ વાત્સલ્ય અને સેવાની કરૂણામૂર્તિ હોય છે. જેમ ગોળ વિના કંસાર અધૂરો છે, તેમ માતા વિના સંસાર સુનો બની જાય છે. આપણાં જીવનમાં ડગલેને પગલે સ્ત્રી શક્તિની જરૂર પડે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, મહિલાઓ કોઇ દિવસ રજા લેતી નથી. પરિવાર કાજે તે તેવી અપેક્ષા પણ રાખતી નથી. કોરોનાના સમયમાં પુરૂષોને રજા હતી પણ મહિલાઓના રોજબરોજના કામ તેવાં સમયે પણ ચાલું રહ્યાં હતાં છતાં તેણે તેની કોઇ દિવસ ફરિયાદ કરી નથી. તે તેની મહાનતા છે.
મેયરશ્રીએ મહિલા દિવસની ઉજવણીની તવારીખ જણાવી કહ્યું કે, મહિલાઓ જન્મથી મૃત્યું સુધી માતા સ્વરૂપે, પુત્રી સ્વરૂપે અને છેલ્લે દાદી સ્વરૂપે પ્રેમનું ઝરણું વહાવીને પરિવાર અને સમાજને એક રાખવાનું ભગીરથ કાર્ય કરે છે.

સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું કે, આજે સમાજના તમામ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી રહી છે. ત્યારે તેને નવી ઉંચાઇ આંબવાનો અવસર મળે તે સમાજે જોવું જોઇએ અને મહિલાઓને પ્રોત્સાહન આપવું જોઇએ. મહિલાઓના જીવનમાં તેનાથી ધળમૂળથી પરિવર્તન આવ્યું છે. આજે મહિલાઓ સ્વતંત્રતા અને સુરક્ષિતતા અનુભવે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, રાજ્ય સરકારે મહિલાઓને પંચાયતોમાં ૫૦ ટકા અનામત આપીને પુરૂષ સમોવડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે શિક્ષણમાં પણ મહિલાઓ મેદાન મારી રહી છે તેના મૂળમાં રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓ અને સંવેદનશીલતા છે.તેમણે કહ્યું કે, રાજ્યમાં મહિલાઓને મિલકતની નોંધણીમાં રાહત આપતાં આજે રાજ્યમાં આશરે ૪૦ લાખ મહિલાઓ મિલકતની માલિક બની છે. પોતે ઘરની માલિક બનતાં આવી મહિલાઓનું આત્મગૌરવ વધ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, નારી પ્રેમ, સ્નેહ, લાગણી, અનુકંપા ધરાવવાં સાથે બાળકોમાં સંસ્કાર સિંચન કરવાનું અદકેરૂં કાર્ય કરે છે. તેને લીધે જ આંગણવાડીમાં બાળકોની કાળજી માટે મહિલાઓની નિમણૂક કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિ માં ને પૂજવાવાળી છે તેથી જ આપણે ભારત દેશને પણ માતા તરીકે ઓળખીએ છીએ અને તેનું ગૌરવ લઇએ છીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, મહિલા શક્તિને અવગણીને કોઇપણ સમાજ પ્રગતિ ન કરી શકે. મહિલાઓને સ્વતંત્રતા આપવી જ જોઇએ જેથી તે તેની ક્ષમતાને વિકસાવી શકે. માત્ર દયાભાવથી નહીં પણ હક્ક તરીકે મહિલાઓને આઝાદી મળવી જોઇએ.
તેમણે કહ્યું કે, મહિલાઓ જન્મજાત લીડર હોય છે ત્યારે તે લીડર સાથે નીડર પણ બને તે સમાજ તરીકે આપણી જવાબદારી છે. મહિલાઓ સક્ષમ છે તેવી હૈયાધારણ આપણે આપીશું તો તે તેમનો વિકાસ કરવાં સાથે સમાજનો પણ વિકાસ કરવામાં સહાયભૂત થશે. આ અવસરે આંગણવાડીની કાર્યકર અને તેડાગર મહિલાઓને માતા યશોદા એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવી હતી. વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભાર્થી બહેનોને સહાયના ચેક અને મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણને પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી રાજીવભાઇ પંડ્યા, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અધિકારીશ્રીઓ, જિલ્લાના પદાધિકારીઓ, આંગણવાડીની કાર્યકર તેમજ તેડાગર મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Previous articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત
Next articleકાગબાપુમાં એક નહિ અનેક વિવેક જણાયાનો ભાવ વ્યક્ત કરતાં બાપુ