ક્ષમા કરવાની કળા:- તરુણ ઢોલા (વચનામૃત : જીવન માર્ગદર્શક )

66

એક ચિંતકે કહ્યું છે,Pure conscience is the softest pillow.`અંતરમાં કોઈ પણ વ્યક્તિ માટે પૂર્વગ્રહ કે દ્વેષ ન હોય તો એના જેવું કોઈ પોચું આરામદાયક ઓશીકું નથી. ખરેખર કોઈપણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ કે વેર લેવાની વૃત્તિ માણસને અશાંત કરેછે, જ્યારે ક્ષમાવૃત્તિ શાંતિ અર્પે છે. પરંતુ આજે ઘર-કુટુંબમાં, સમાજમાં, ધંધા-રોજગારમાં કે દુનિયામાં દ્વેષવૃત્તિ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી જાય છે, જ્યારે ક્ષમાવૃત્તિનો અકાળ વર્તે છે.
આધુનિકયુગના વિષમકાળમાં એક જ છત નીચે રહેતા વ્યક્તિઓ વચ્ચે વિસંવાદિતા અને વિરોધનું વાતાવરણ પ્રત્યેક ઘરની કહાની છે. કુટુંબરથના બે મુખ્ય પૈડાં – પતિ અને પત્ની વચ્ચે એકરાગ નથી હોતો. સાસુ-વહુ વચ્ચેનો ખટરાગ પૂર્વથી ચાલી આવતી દુર્ઘટના છે. પિતા-પુત્ર વચ્ચેનો વિચારભેદ વકરતાં વકરતાં અબોલામાં પરિણમે. જેના ફળસ્વરૂપ એક જ ઘરરૂપી માળામાં વસતા પંખીઓનું તાંડવ ભવિષ્યની પેઢી, સંસ્કાર અને પરંપરાનું દહન કરે છે.
શ્રીહરિલીલામૃત ગ્રંથ કહે છે :
ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, ક્લેશનું કારણ અક્ષમા છે,
ક્ષમા ધરે તો સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય.
ખરેખર, ક્ષમા પ્રદાન કરવામાં કરનારની પ્રૌઢતા સાચા સ્વરૂપે પ્રગટે છે. સાસુ વહુને ક્ષમા કરે તો સાસુ અને જનેતા વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય છે. પિત્રા પુત્રને માફ કરે તો તે બંને વચ્ચે મિત્રતાનો સેતુ રચાય છે. પતિ-પત્ની પરસ્પર ક્ષમા અર્પે ત્યારે જ સાચી સંલગ્નતા કેળવાય છે. ઘણીવાર ક્ષમાવૃત્તિના અભાવે નાની નાની બાબતો અને પ્રશ્નો ઉગ્રતા અને ક્લેશનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.તે સમયે ક્ષમારૂપી પાળ પરિવારની શાંતિ, સંપ અને સંસ્કારનું ધોવાણ થતું અટકાવે છે.
જે. એલન પીટરસન લખે છે કે શાળાએથી ઘરે હંમેશાં મોડા આવતા બાળકને તેના માતા-પિતાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે તારે સમયસર ઘરે આવવું જ પડશે. છતાં નિત્યક્રમ મુજબ બાળક શાળાએથી મોડો જ આવ્યો. તેથી તે રાત્રે માતાએ તેને ભોજનમાં કેવળ બ્રેડ જ પીરસતા તેણે પિતાની ભરેલી થાળી સામું દૃષ્ટિ કરી. તે સમયે તેના પિતાએ હળવેકથી બાળકની થાળી લઈ પોતાની થાળી તેને આપી દીધી અને તેની સામે જોઈને સ્મિત કર્યું. તે બાળકે મોટી ઉંમરે કહેલું : ‘આખું જીવન મેં ભગવાન કેવા ક્ષમાશીલ અને દયાળુ હશે તે મારા પિતાએ તે રાત્રે જે કર્યું તેના પરથી જાણ્યું છે.
ખરેખર, પરિવારમાં ક્ષમારૂપી ઔષધનો ઉપયોગ કરવાથી વિષમતા, વિસંવાદિતા અને ખટરાગનાં ખડની જગ્યાએ સમતા, સંવાદિતા અને એકરાગનાં ઉપવન ખીલી ઊઠે છે.
એક સંસ્કૃત સુભાષિતમાં સાચું જ કહ્યું છે,

અર્થાત્‌ માણસનું આભૂષણ રૂપ છે. રૂપનું આભૂષણ ગુણ છે. ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે.રાવણના વધ બાદ હનુમાન જ્યારે સીતાને અશોકવાટિકામાં મળે છે ત્યારે સીતા કહે છેઃ ‘આ બધી રાક્ષસીઓ રાજાને પરાધીન હતી. મારા માટે આ જ ભગવાનની ઇચ્છા હતી. આથી તેમનો અપરાધ હોય તો પણ હું માફ કરું છું.
એટલે જ મહાભારત કહે છે,

અર્થાત્ક્ષમા અસમર્થ મનુષ્યનો ગુણ તથા સમર્થ પુરુષોનું ઘરેણું છે. ક્ષમા સર્વોચ્ચ બળ છે. કમજોર લોકો ક્યારેય કોઈને ક્ષમા નથી આપી શકતા.ખરેખર, એકવાર ક્ષમા આપી તો જુઓ ! કેટલી તાકાત જોઈએ ! ક્ષમા એમ જ નથી અપાતી.
૧૯૮૫માંલંડનમાંપૂ. પ્રમુખસ્વામી મહારાજનું સુવર્ણસમ ભવ્યાતિભવ્યસન્માન થયુંઅને બીજે જ દિવસે એક વ્યક્તિએ ગેરસમજથી તેમનું હળાહળ અપમાન કર્યું. છતાં તે સમયે ક્ષમાના સાગર સ્વામીશ્રીનો ઉત્તર શું હતો ? ‘આ ભાઈને જમાડીને મોકલજો.’ આશ્ચર્ય તો એ વાતનું હતું કે જે મુખ પરની રેખા સુવર્ણ- સન્માનથી બદલાઈ ન હતી તે જ રીતે અપમાનથી પણ નહોતી બદલાઈ. ક્ષમા સમર્થ અને ઉદારચિત્ત પરમાત્માનો અસાધારણ ગુણ છે, સંતની એક દિવ્ય સંપત્તિ છે.
માફ કરવું, ભૂલી જવું, જતું કરવું, નુકસાન સહન કરીને પણ અન્યના દોષ પ્રત્યે આંખમીચામણાં કરવાં તે જ ખરા અર્થમાં ક્ષમા કરવાની કળા છે.ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે ક્યારેક કોઈ ઉપર ક્રોધ થઈ જાય તો તત્કાળ ક્ષમા માંગી લેવી. તેઓ લખે છે-
“ક્રોધ ઊપજે તો વચને કરીને પ્રાર્થના કરવી ને નમસ્કાર કરવો. પણ દેહદૃષ્ટિ ન રાખવી જે, ‘હું મોટો છું ને ઉત્તમ છું ને આ તો મોટો નથી ને નાનો છે,’ એવી રીતે દેહદૃષ્ટિ ન કરવી.”

Previous articleરોહિતે મારી ઉંઘ હરામ કરી નાંખી હતી : ગૌતમ ગંભીર
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે