ભાવ. મહાપાલિકાનું રૂ.૧૨૦૪ કરોડનું બજેટ રજૂ સર્વાનુમતે મંજુર, રૂ.૧૪૨.૪૧ કરોડની પૂરાંત વાળું બજેટ મંજુર

82

ભૂતકાળમાં બે બજેટ બે દિવસ સુધી ચાલતા હતા તે માત્ર ત્રણ- ચાર કલાકમાં બંને બજેટો પૂર્ણ કરાયાં : શિક્ષણ સમિતિની શાળાના કાર્યક્રમમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને કટ ટુ સાઇઝ કરી દેવાતા હોવાના આક્ષેપ વચ્ચે મામલો ગરમાયો : નગર પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં બુટલેગરોને આમંત્રણ મળે છે, કોર્પોરેટર નહીં : વિપક્ષ નેતા
આજે ભાવનગર મહાનગર પાલિકાની બજેટ બેઠક યોજાઇ હતી જેમાં ભાવનગર મહાનગરપાલિકા નું રૂ.૧૨૦૪ કરોડનું બજેટ રજૂ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. રૂ.૧૪૨.૪૧ કરોડની પૂરાંત સાથે આભને આંબતી આવકો દર્શાવાઇ હતી. પેહલા ભૂતકાળમાં બજેટ બેઠક બે-બે દિવસ ચાલતી હતી, જે બજેટ આજે ત્રણ-ચાર કલાકમાં બજેટ પૂર્ણ થયું હતું,

ભાવનગર મહાપાલિકાની આજે ખાસ બજેટ બેઠક મહાનગર પાલિકા કચેરી સભા હોલ ખાતે મળી હતી, જેમાં અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષનું અંદાજપત્ર મેયર કીર્તિબેન દાણીધરીયાએ રજૂ કર્યું હતું. તેમના કાર્યકાળમાં બીજી વખત બજેટ રજૂ કરવાની તેમને તક સાંપડી હતી. આજે રજૂ થયેલું બજેટ વર્ષાનતે રૂ.૧૪૨.૪૧ કરોડનું પૂરાંત દર્શાવે છે. જોકે, બજેટમાં મહત્વપૂર્ણ એવા કોઈ પ્રોજેકટ પણ નથી કે જે ઉડીને આંખે વળગે. નિષ્ણાંતોના મતે આંકડાની માયાજાળ સિવાય બજેટમાં વિશેષ કશું નથી, સામાન્ય બજેટને તૈયાર કરીને વહીવટી તંત્રએ રજૂ કર્યા બાદ સ્ટેન્ડીંગ કમિટીમાં સમિક્ષાના અંતે આખરી મંજુરી માટે આજે મ્યુ.સભાની ખાસ બજેટ બેઠકમાં રજૂ કરાયું હતું. જોકે, આગામી વર્ષે નવા વેરા કે ચાલું વેરાના દરમાં કોઈ વધારો કરાયો નથી,
મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ કફોડી છે, તેમ છતા આવકના સોર્સ વધારવામાં તંત્ર વાહકો અને શાસક પક્ષ નિષ્ફળ ગયા છે , જે લેણા છે તેની પુરતી વસુલાત થતી નથી. વર્ષ ૨૦૨૩ના આવકના અંદાજ આભને આંબવાના હોય તેમ કરોડોની આવકના અંદાજ મૂકીને બજેટનું કદ વધારવાના પ્રયાસો કરાયા છે. ઘરવેરો, સફાઈ, પાણી, શિક્ષણ ઉપકરની ચાલુ વર્ષમાં જેટલી આવક થઈ નથી તેની કરતા આગામી વર્ષની ભ્રમિત ધારણાઓ બાંધી દેવામાં આવી છે.વર્ષ ૨૦૨૨-૨૩માં રૂપિયા ૧૨૦૪.૪૨ કરોડની આવક સામે રૂપિયા ૧૦૬૨ કરોડનો ખર્ચ થશે જેથી વર્ષાન્તે રૂપિયા ૧૪૨.૪૧ કરોડની સિલક રહેવાની ધારણા વ્યક્ત કરાઈ છે જોકે આજે મળેલી આ બજેટ બેઠકમાં કોઈ ખાસ પ્રશ્નો થયા ન હતા. વિપક્ષ નેતા ભરત બુધેલીયાએ શિક્ષણ સમિતિના બજેટ અંગે સવાલો ઉઠાવ્યા હતા, બજેટમાં જે પ્રમાણે આંકડા દર્શાવ્યા છે તેને લઈને તેમણે ભૂતકાળમાં ૩૨ જેટલી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ હોવાનો ખુલાસો કર્યો હતો, તેમજ શિક્ષણનું સ્તર નીચું ગયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જોકે આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા ની જેમ મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૨-૨૩નું સૂચિત બજેટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું સૂચિત બજેટને સર્વાનુમતે કોઈ વીરોધ વીના શાંતિપૂર્ણ રીતે પાસ કરી દેવામાં આવ્યું હતું. વિપક્ષના નેતા ભરતભાઇ બુધેલીયાએ શાળા નં.૧૮-૧૯માં કલસ્ટર કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ઉત્તરકૃષ્ણનગર વોર્ડના ચારેય કોંગી કોર્પોરેટરને આમંત્રણ નહીં આપી ચૂંટાયેલા પ્રતિનિધિનું સન્માન નહીં જાળવ્યાનું અને ભાજપ ગંદી રાજનીતિ કરતી હોવાનો રોષ પ્રદર્શીત કર્યો હતો. આ મામલે તેઓ ઉકળી ઉઠ્‌યા હતા અને એક તબક્કે તેમણે બુટલેગરોને આમંત્રણ મળે છે પરંતુ ચૂંટાયેલા સભ્યોને કાર્યક્રમમાં સ્થાન નથી અપાતું તેવું કહ્યું હતું. આ સાથે જ બજેટ બેઠકમાં દેકારો બોલી ગયો હતો અને ભાજપના સભ્યો ધીરૂભાઇ ધામેલીયા, યુવરાજસિંહ સહિતનાએ પણ જોરદાર વિરોધ કર્યો હતો. એક તબક્કે શબ્દ પાછા ખેંચવા જણાવી કાયદેસર કાર્યવાહી કરવા સામાપક્ષે ભાજપના સભ્યોએ જણાવ્યું હતું. દરમિયાનમાં અધ્યક્ષ સ્થાનેથી મેયર પણ શાળાના બાળકોને સમજાવવું પડે તે રીતે બેસી જાવ- બેસી જાવ કહેતા રહ્યા હતાં. આખરે ડે.મેયર કુમાર શાહે ભરતભાઇને લઇ જઇ તેમના સ્થાને બેસાડી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સભામાં આ મુદ્દો ભારે વિવાદી બન્યો હતો અને આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પણ પડશે તેવી સંભાવના જોવાઇ રહી છે !

Previous articleરાણપુરમાં તાલુકા હેલ્થ કચેરી ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાઈ
Next articleભાવનગર શહેરમાં રૂા.૧૦થી ૧૫૦૦ સુધીની પીચકારીઓનું બજારમાં ધૂમ વેચાણ