મૃતદેહ બાળવાના લાકડાની ખપત ઓછી કરનાર પેઢીનો કોન્ટ્રેકટ સાત ભવ લંબાવો!!!

88

આપણે ત્યાં સોળ સંસ્કારોનું મહત્વ છે. જેમાં ગર્ભધારણ એ પ્રથમ સંસ્કાર છે અને અંતિમ સંસ્કાર એ છેલ્લા સંસ્કાર છે. માણસ કુદરતી કે અકુદરતી મરણ પામે તો તેના પ્રાર્થિવ શરીરના શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમ સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે. જયાં અંતિમવિધિ કરવામાં આવે તે સ્થળને સ્મશાન કહેવામાં આવે છે.
સ્મશાને મુકતિધામ, પરમધામ કે અંતિમ વિસામો વગેરે નામોથી ઓળખવામાં આવે છે.
વરસોથી સ્મશાન ગામથી છેટા અંતરે રાખવામાં આવે છે. સ્મશાનમાં સેવા આપનારને ચાંડાલ કહેવામાં આવે છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રે તેમના સત્યપાલના સિધ્ધાંતોના પાલન માટે રાજકાજ સંપતિ ગુમાવી ચાંડાલનું કામ કરેલ હતું.
બાગ બગીચા, મલ્ટી પ્લેકસ,રિવર ફ્રન્ટ, મોલની જેમ સ્મશાન મોજમજા માટેનું સ્થળ નથી. સ્મશાનમાં ભૂતપ્રેત, ચૂડેલ, ડાકણ વગેરેનો વાસ હોવાનું માનવામાં આવે છે. ઘણા કાચાપાકા મનના માણસોને બપોરે બે વાગ્યે પણ સ્મશાનમાં આંટો મારવા જતાં ત્રણ દિવસ તાવ આવી જાય છે!!
તાંત્રિકો, અઘોરીઓ, મેલી વિધાના સાધકો સ્મશાનમાં મડદા પર બેસીને અગમનિગમની ઉગ્ર સાધના કરતા હોય છે. મોટા ભાગે અનંતા ચતુર્દશી- કાળી ચૌદસે સાધના કરતા હોય છે. જેમ વાહન ચલાવવા માટે લાઇસન્સની જરૂર પડે અને લાઇસન્સની મુદત પૂરી થાય તે પહેલા રીન્યુ કરાવવું પડે તેમ આ વિધાના ઉપયોગનું લાયસન્સ રીન્યુ કરાવવું પડે છે. જે ઓફલાઈન રીન્યું થાય છે!! મેલી વિધા પૈકીની એક કર્ણપિશાચિની છે. જેમાં તમને રોઇ પણ વ્યકિતને અતીત પેલી સિધ્ધિ કાનમાં કહી દે છે. અલબત, ભવિષ્યકથન કરી શકે નહીં.
સ્મશાને મૃતદેહ સિવાય તમામ આગંતુકોને દુનિયા નશ્વર લાગે છે, ફાની લાગે છે, ચલ કે અચલ સંપતિ કે સંતતિ સાથે આવતી નથી, આત્માની સાથે કર્મ સાથે જાય છે, દુન્યવી માયાનો ત્યાગ કરવો વગેરે વગેરે. આ ઇન્સ્ટન્ટ ફૂડની જેમ અનાસક્તિનો અસ્થાયી એટેક કહી શકો!! જંકફૂડ જેવો સાત્વિક હોય છે!! અલબત, ઘણા લોકો- ડાઘુઓ( ડાઘુને વિરોઘાર્થી ડાઘી કહી શકાય. જવલ્લે કે અપવાદરૂપ કિસ્સાઓમાં ડાઘીના વરદ્‌ હસ્તે સ્વજનોને મુખાગ્નિ આપવામાં આવે છે. જેને સમાજ પરિવર્તનની આહલેક માનવામાં આવે છે.) સ્મશાનમાં પણ શેરબજાર, અફવાબજાર, ગોસિપબજાર મસાલા-સિગારેટ છોડી શકતા નથી!!
આપણે ત્યાં મોંવાળા તોડવાથી મડાંનો ભાર હળવો ન થાય તેવી લોકોક્તિ છે. એ જ રીતે મસાણે ગયેલા મડાં પાછા ન આવે એવી અફર ને ડફર માન્યતા છે. જો કે કેટલીક વાર સ્મશાનમાં લઇ આવેલ મૃતદેહનાં જીવનનો સંચાર થતાં મડદા પાછા ગયાના દાખલા બનેલા છે!!
અમુક સમાજમાં ઢોલનગારા વગાડતા અને અબીલગુલાલ ઉડાડતા મૃતદેહનો અગ્નિસંસ્કાર કરે છે તેમ જ સ્મશાનમાં નાસ્તો કરે છે. દિવાસાના દિવસે સ્મશાનમાં જઇ દિવંગતોને યાદ કરી રૂદન કરે છે.
સરકારી કચેરી કે અન્ય જગ્યાએ કામ સિવાય બેસવું નહીં તેવા સાઇનેજ હોય છે. સ્મશાનમાં આવા સાઇનેજ લગાડવાની જરૂરત રહેતી નથી. કેમ કે , ત્યાં કામ સિવાય કોઇ જતું નથી!!!
નનામી બાંધવી એ પણ કળા છે. દરેક છેડે નારીયળ બાંધવા, કાથી વીંટાળવી એક કળા છે નનામીબાંધુનો નિષ્ણાત વર્ગ છે . તેને લાકડિયો તાર કરે તેમ ઘટના સ્થળે બોલાવવામાં આવે છે. શહેરમાં નનામી બધે મળતી નથી વીએસ હોસ્પિટલની સામે અને પાલડી બ્રિજના છેડે સપ્તર્ષિની નજીક નનામી વેચાતી હતી. શહેરના એક પણ મોલ કે રતનપોળ કે કાલુપુરના બજારમાં છૂટક કે જથ્થાબંધ ડિસ્કાઉન્ટ રેટ પર એક સાથે એક નનામી ફ્રી જેવી સ્કીમ જેવા મળતી નથી.૨૦% રકમ ડાઉન પેમેન્ટકરો બાકીના સરખી રકમના ઇએમઆઇ ભરો જેવો વિકલ્પ મળતો નથી.નનામી, ખાપણ, સફેદ કાપડ વગેરેના વેચાણની જાહેરાત વર્તમાનપત્રો, ચોપાનિયા કે ઇગલ જેવા એડવર્ટાઇઝ પેપરમાં જોવ મળતી નથી કે ચેનલો પર પણ આવતી નથી. વિદેશોમાં કોફિનની જાહેરાત નગ્ન -અર્ધનગ્ન બિકીનીધારક મોડેલે કરતા હોહો મચી ગયેલી અને છેવટે કંપનીએ જાહેરાત પાછી ખેંચવી પડી હતી!!
આપણે ત્યાં કેટલીક ફાટેલા કારતૂસ કે ફાટેલી નોટો જેવા મહારથીઓના કારનામાને લઇને એવું કહેવાય છે કે આ આદમી ઓછા લાકડે બળે તેવો નથી!! હમણા અમદાવાદની બે એજન્સી કે પેઢીઓએ આ માન્યતામાં આમૂલાગ્ર પરિવર્તનનો પવન ફૂંકયો!!
પુખ્ત વયના માણસના મૃતદેહના અગ્નિસંસ્કાર કરવા બાર મણ લાકડા ( રસોઇ કરવા માટેના લાકડાને લાકડા ન કહેવાય પણ ઇંધણા કે મગબાફણા કહેવાય !!)જોઇએ. અમદાવાદની સંસ્થાઓએ પરંપરાગત બળતણની પધ્ધતિનો આવિસ્કાર કર્યો છે. જેમાં માત્ર આઠ મણ લાકડા આવશ્યક બંને છે. એક મણ એટલે ૨૦ કિલો. બાર મણ એટલે ૨૪૦ કિલો લાકડા. આઠ મણ એટલે એકસો સાંઠ કિલો. આમ ૮૦ કિલો લાકડાની બચત થાય. અલબત, પૈસા ૨૦ મણ લાકડાના વસૂલે તો શું લૂંટાઇ ગયું. લાકડાની બચત તો થઇને??દેશની વસ્તી ૧૩૫ કરોડ છે. ૧૩૫ કરોડ માણસોએ ૩૨૪૦૦ કરોડ કિલો લાકડાની બચત થાય એનો કરકસરયુકત ક્ષીરનીરયુકત નિર્ણય કર્યો. બોલો આટલા લાકડા ન કપાય તો કેટલા વૃક્ષો કપાતા બચે!! ઓછા લાકડા બાળવાથી કાર્બન મોનોકસાઇડ અને કાર્બન ડાયોકસાઇડનું સર્જન ઓછું થાય. ઉધોગોમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત્રનોઇંધણ તરીકે ઉપયોગ કરવાથી કેટલા કાર્બન ક્રેડિટ મળે તેની ગણતરી કરીએ છીએ પણ એક મૃતદેહના અગ્નિસંસ્કારમાં ૮૦ કિલો ઓછા લાકડીયાનો ઉપયોગ ન કરવાના કારણે મળતી કાર્બન ક્રેડિટની ગણતરી ન કરીને દેશની કેટલી કુસેવા કરીએ છીએ? આમાં પર્યાવરણનું સંવર્ધન , સંરક્ષણ અને સંગોપન કેવી રીતે થાય!
માનો કે માની લઇએ કે દેશમાં ૧૩૫ કરોટ માણસો ખરા. પણ બધાના મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવાના ન હોય! દેશમાં મૃતદેહોનું દફન-સુપુર્દે ખાક- કરવાનું હોય. આ કિસ્સામાં તો ૨૪૦ કિલો લાકડાની બચત થાય! તમામ માણસો એક સમયે અવસાન ન પામે!તમારી ગણતરી ખોટી પડે ! પણ લાકડાની બચત થાય તેમાં મીનમેખ નથી.
આપણે ત્યાં હાલમાં ઇનોવેશન, સ્ટાર્ટઅપ પ્રોજેકટોમાં પાંચે આંગળી ઘીમાં છે. ચૂંટણી કમિશનર શેષાને હયાત કાયદા-નિયમો-પેટાનિયમો- વિનિયમોમાં એક શબ્દ આઘોપાછો કર્યા સિવાય લોખંડી કડકાઇથી ચૂંટણીસંચાલનની સિકલ બદલી નાંખી હતી તેમ આ બંને પેઢીઓએ ક્રાંતિકારી પરિવર્તન કર્યું તો એકાદ સ્મશાનરત્ન કે એવોર્ડ તો બનતા હૈ. અલબત, કદરકૂટાઓએ સન્માન , ઇનામ , અકરામ, શિરપાવ, બક્ષિસ આપવાના બદલે બ્લેક લિસ્ટ કરવા, કોન્ટ્રેકટ રદ કરવા જેવી અમાનુષી અને પિશાચી કાર્યવાહી કરતાં હાથ પગ કેમ કાંપતા નહીં હોય? ચેક કરો કે માણસમાંથી મૃતદેહમાં રૂપાંતરિત થયેલ છે?અમારી તો અસંદિગ્ધ
ભલામણ છે કે આ કંપનીને સ્મશાનમાં લાકડા પૂરા પાડવા સાત ભવ સુધી કોન્ટ્રેકટ વિનાશરતે સર્વાનુમતે લંબાવી આપવો!!!
– ભરત વૈષ્ણવ

Previous articleઆઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી મલિંગા
Next articleડૉ.રામમનોહર લોહિયા (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )