મોણપર ગામે ખેત મંડળીની જમીનમાં કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

94

જમીન ખાલી કરવાના હુકમનો અમલ થતો ન હોવાની પણ ફરિયાદ
મહુવા તાલુકાના મોણપર ગામે આવેલી મહુવા તાલુકા અનુ.જાતિ ખેત સહકારી મંડળીની માલિકીની જમીન પર ગેરકાયદે કબ્જો કરનાર ખારી ગામના બે શખ્સો સામે બગદાણા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુનો નોંધાતા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. જમીન ખાલી કરવાનો હુકમનું પાલન ન થતું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ અંગેની ફરિયાદ સહકારી મંડળીના પ્રમુખે નોંધાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મહુવાના નુતનનગર, હેવન સામે રહેતા મહુવા તાલુકા અનુ.જાતિ ખેત સહકારી મંડળીના પ્રમુખ નાનજીભાઈ હરસુરભાઈ બારૈયાએ મહુવા પોલીસ મથકમાં મહુવા તાલુકાના ખારી ગામના ડાયા વાલાભાઈ ચૌહાણ અને દુલા રણછોડભાઈ ચૌહાણ વિરૂદ્ધ એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, મહુવા તાલુકાના મોણપર ગામે સર્વે નં. ૪૫૩ પૈકીની જમીન મંડળીની માલીકીની હોય, તમામ રેકર્ડ પુરાવા મંડળીના હોય ગત તા.૬.૯.૨૦૧૮ના રોજ મહુવા મામલતદાર અને બગદાણા સર્કલ ઓફીસરએ પ્રત્યેક્ષ કબજો આપેલ આ જમીનમાં મંડળીને વાવેતર, ખેડકામ કરવા માટે જતા ઉક્ત શખ્સોએ બિન અધીકૃત કબ્જો જમાવી તેઓને મંડળીની જમીનમાં પ્રવેશ ન કરવા દેતા જિલ્લા કલેક્ટરને ૨૧.૬.૨૧ના લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ અરજી કરતા કલેક્ટરે ૩૦ દિવસમાં વાદગ્રસ્ત જમીનનો કબ્જો અરજદારને સોંપી આપવા હુકમ કરેલ તે હુકમનો અનાદર કરી જમીન ઉપર કબ્જો જમાવી રાખી મંડળીની જમીન ન સોંપી ખાલી કરી આપી ન હતી. આ અંગે બગદાણા પોલીસ મથકમાં ઉક્ત બંને શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleગારીયાધારમાંથી ત્રણ ચોરાઉ બાઈક સાથે બગસરા પંથકનો બાવાજી શખ્સ ઝડપાયો
Next articleભાવનગરમાં ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી