ભારતીય મૂળના અમેરિકન નાગરિક રાજ સુબ્રમણ્યમ ફેડએક્સના સીઈઓ બનશે

53

નવી દિલ્હી, તા.૨૯
ભારતની પ્રતિભાએ વધુ એક ઝંડો ઊંચક્યો છે. ભારતીય મૂળનાં અમેરિકન નાગરિક રાજ સુબ્રમણ્યમ મલ્ટીનેશનલ કુરિયર ડિલેવરી કંપની ફેડએક્સના આગામી સીઈઓ હશે.કંપની ફેડએક્સના વર્તમાન સીઈઓ ફ્રેડરિક ડબ્લ્યુ સ્મિથે રાજીનામું આપ્યા બાદ નવા સીઈઓ ના નામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકન મલ્ટીનેશનલ કુરિયર ડિલિવરી જાયન્ટ દ્વારા સોમવારે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતીય અમેરિકન રાજ સુબ્રમણ્યમ ફેડએક્સના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હશે. રાજ સુબ્રમણ્યમ કંપનીના આઉટગોઇંગ ચેરમેન અને સીઇઓ ફ્રેડરિક ડબલ્યુ સ્મિથનું સ્થાન લેશે. ફ્રેડરિક ૧ જૂને પદ છોડશે. આઉટગોઇંગ પ્રેસિડેન્ટ અને સીઈઓ ફ્રેડરિક સ્મિથે એક નિવેદનમાં કહ્યું કે, “જેમ જેમ આપણે આગળની તરફ જોઈ રહ્યા છીએ, હું આ વાતથી ખૂબ જ સંતુષ્ટ છું કે, રાજ સુબ્રમણ્યમ જેવા એક નેતા ફેડએક્સ ને ખૂબ જ સફળ ભવિષ્ય તરફ દોરી જશે” પોતાની આ નવી ભૂમિકામાં, સ્મિથે કહ્યું કે, તે બોર્ડના વહીવટની સાથે સાથે સ્થિરતા, નવીનતા અને સાર્વજનિક નીતિ સહિતના વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તત્પર છે. ભાવિ સીઈઓ રાજ સુબ્રમણ્યમે કહ્યું કે, “ફ્રેડ એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને બિઝનેસ જગતના અનુભવી છે. તેમણે વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ પ્રશંસનીય કંપનીઓમાંની એકની સ્થાપના કરી, અને આ ભૂમિકામાં પગ મૂકવો અને તેના પર નિર્માણ કરવું તે મારા સન્માનની વાત છે. ૨૦૨૦ માં ફેડએક્સ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સુબ્રમણ્યમને ચૂંટવામાં આવ્યા હતા. કંપનીએ કહ્યું કે, તેઓ બોર્ડમાં પોતાની સીટ જાળવી રાખશે. સ્મિથે ૧૯૭૧માં ફેડએક્સની સ્થાપના કરી હતી.