કેન્દ્ર સરકારે જનસંખ્યા નિયંત્રણ બિલ પાછું ખેંચ્યું

191

બે બાળકોનો નિયમ લાગુ કરવા માગ કરાઈ હતી : જન સંખ્યાના આંકડા મુજબ દેશમાં જનસંખ્યા વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળી રહ્યાનો સરકારનો રાજ્યસભામાં દાવો
નવી દિલ્હી, તા.૨
જનસંખ્યા નિયંત્રણ પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાકેશ સિંહા દ્વારા વધારવામાં આવેલા બિલ પર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ઈન્કાર કરી દીધો છે. તેમની દખલ બાદ શુક્રવારે સિંહાએ પોતાના બિલને પાછું ખેંચી લીધું હતું. સિંહાએ જૂલાઈ ૨૦૧૯માં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં બે બાળકોના નિયમને લાગુ કરવાની માગ કરવામાં આવી હતી અને તેના ઉલ્લંઘન બદલ દંડનીય જોગવાઈઓ માટે પણ જણાવવામાં આવ્યું હતું. ખાનગી બિલ પર ચર્ચામાં હસ્તક્ષેપ કરતા માંડવિયાએ કહ્યું કે, દેશમાં ખૂબ સારી સારવાર અને સેવાઓ આપવામાં આવી રહી છે. દેશ બદલાઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નવું ઈન્ડિયા બની રહ્યું છે. તેમણે બિલ પર ચર્ચા કરતા જણાવ્યું કે, એ સાચું છે કે, વધતી જનસંખ્યા ઘણી સમસ્યાઓનું કારણ છે પરંતુ તેમને પૂરો વિશ્વાસ છે કે, શિક્ષા અને જાગૃતિના પ્રસારથી જનસંખ્યા નિયંત્રણના લક્ષ્યને હાંસિલ કરી શકાશે. મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં પરિવાર નિયોજન કાર્યક્રમો અંગે જાણકારી આપી હતી અને એમણે કહ્યું હતું કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે તથા જન સંખ્યાના આંકડા મુજબ દેશમાં જનસંખ્યા વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે લોકો પોતાની રીતે જ સમજીને નાનો પરિવાર રાખી રહ્યા છે. માંડવિયાના જણાવ્યા પ્રમાણે દેશમાં પ્રજનન દર ૨% પહોંચી ગયો છે. વર્ષ ૨૦૨૫ સુધી તેને હજુ ઓછો કરવા તરફ દેશ આગળ વધી રહ્યો છે. દેશમાં જનસંખ્યા વૃદ્ધિદરમાં પણ સતત ઘટાડો નોંધાય રહ્યો છે. ૧૯૭૧માં જનસંખ્યા વૃદ્ધિ દર ૨.૨૦% હતો જે ૨૦૧૧માં ઘટીને ૧.૬૪% થઈ ગયો છે. ૨૦૧૯માં રાકેશ સિંહ દ્વારા રાજ્યસભામાં જનસંખ્યા નિયંત્રણ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કેન્દ્રીય આરોગ્યમંત્રી તરફથી ગઈકાલે તેને નકારી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ખરડો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. માંડવીયા એ કહ્યું હતું કે સરકાર લોકોમાં જાગૃતિ લાવવા માટે અલગ અલગ કાર્ય કરવામાં આવી રહી છે અને આરોગ્ય અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

Previous articleવેક્સિન લગાવ્યા બાદ પણ લોકો સુરક્ષિત નથી : એક્સપર્ટનો દાવો
Next articleખાદ્યતેલનાં ભાવ વધારામાં આગ ઝરતી તેજી અકબંધ એક માસનાં ટૂંકા ગાળામાં રૂપિયા ૨૦૦નો વધારો