ભાવનગરમાં બાબાસાહેબની 131મી જન્મજયંતિ નિમિત્તે બાઈક રેલી સહિતના કાર્યક્રમો યોજાયા, લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો

169

ભાજપ, કૉંગ્રેસ, દલિત સમાજના હોદ્દેદારો તથા નાગરીકો બહોળી સંખ્યામાં જોડાયાં
આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ અન્વયે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાઈક રેલી, પ્રતિમાને પુષ્પાંજલી સાથે સંવિધાન પૂજા-શપથ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના બંધારણમાં જેનો સિંહફાળો છે એવાં રાષ્ટ્રના સપૂત ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ પ્રસંગે ભાવનગર શહેરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના નારી ચોકડી ખાતે વરતેજ સહિતના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં દલીત સમાજના લોકો બાઈક-સ્કુટર સાથે એકઠા થયા હતા. જ્યાં સમાજના ધારાશાસ્ત્રીઓએ ભારતીય સંવિધાનની પૂજા કરી સભ્યોને શપથ લેવડાવ્યા હતાં. ત્યાંથી આ સમૂહ રેલી ચિત્રા પહોંચી હતી, જ્યાં આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચિત્રાથી પણ મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા.

આ વિશાળ રેલી શહેરના ગૌરવપથ પરથી સમગ્ર શહેરમાં ફરી હતી અને દલિત સમાજની બહુમતી ધરાવતા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા. અંતે રેલી જશોનાથ સર્કલ ખાતે પહોંચી હતી, જ્યાં ભાજપ, કૉંગ્રેસ અને દલિત સમાજ તથા વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ-હોદ્દેદારોએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નારા લગાવ્યા હતા. આ જન્મજયંતિ અન્વયે દલિત સમાજના અગ્રણીઓએ લોકોને સંબોધ્યા હતા. તથા કુરિવાજો-વ્યસનોથી દૂર રહેવા અને જીવનમાં એજ્યુકેશનને અગ્રતા આપવા પર ભાર મૂક્યો હતો.

Previous articleભાવનગરની જાણીતી શીશુવિહાર સંસ્થા દ્વારા ભાવનગરના સનેસ ગામે આરોગ્ય શિબિરનું આયોજન કરાયું
Next articleભાવનગરમાં મહાવિર સ્વામિ ભગવાનના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ