ભાવ. ગાંધીગ્રામ વચ્ચે સીધી ટ્રેન સેવા માટે હવે લીલીઝંડીની રાહ

139

પ્રોજેકટ પૂર્ણ થયા બાદ ઇન્સ્પેકશનમાં પેસેન્જર ટ્રેન ચલાવવા મળી મંજૂરી, નવા બ્રોડગ્રેજ રૂટ પર બોટાદ થઈ ગાંધીગ્રામ સુધી સીધી ઇન્ટરસિટી ટ્રેન સેવાનું સ્વપ્ન થશે સાકાર
ભાવનગર ડિવિઝનમાં બોટાદથી અમદાવાદ વચ્ચેનો રેલવેનો માર્ગ મિટરગેજમાંથી બ્રોડગ્રેજમાં સફળતા પૂર્વક રૂપાંતર થઈ ચુક્યો છે અને સીએસઆર ઇન્સ્પેકશન બાદ પેસેન્જર ટ્રેન દોડાવવા પણ મંજૂરી મળી ગઈ હોવાનું સાંસદે જણાવી પ્રોજેકટની પ્રગતિ જણાવી હતી. આમ, હવે નજીકના દિવસોમાં લીલીઝંડી દર્શાવી ઇન્ટરસિટી ટ્રેન સેવાની સુવિધા મળતી થશે તેવી આશા મજબૂત બની છે. ભાવનગરથી બોટાદ થઈ સીધા અમદાવાદ પહોંચાય એ માટે બ્રોડગ્રેજ રૂપાંતરનું કામ ઘણા સમયથી ચાલતું હતું, જે પૂર્ણ થયું છે અને હાલ આ રૂટ પર દરરોજ માલગાડી દોડી રહી છે જયારે પેસેન્જર ટ્રેન દોડાવી ટ્રાયલ લેવાઈ ચૂક્યું છે. બાદમાં સીએસઆર ઇન્સ્પેકશનમાં સુચવાયેલ ક્ષતિઓ દૂર કરવા કામગીરી હાથ ધરાઈ હતી જે પણ પૂર્ણ થતાં પેસેન્જર ટ્રેન દોડાવવા મંજૂરી મળી ચુકી છે. સાંસદ ભારતીબેન શિયાળએ ’સૌરાષ્ટ્ર આસપાસ’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ રૂટ પર પેસેન્જર ટ્રેન ઝડપથી દોડતી થાય તેવા સક્રિય પ્રયાસો હોવાનું જણાવ્યું હતું. દરમિયાનમાં સુત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર આ રૂટ પર ભાવનગર અમદાવાદ વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સુવિધા માટે આ રૂટ પર ધોળકા અને ધંધુકા સ્ટેશન પર રેલ ટિકિટ રિઝર્વેશન સુવિધા પુનઃસ્થાપિત કરી દેવાયા છે. ભાવનગર ડિવિઝનના ધોળકા અને ધંધુકા સ્ટેશન પર રેલવે ટિકિટ રિઝર્વેશન સુવિધા કેન્દ્રને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ૦૨ માર્ચ, ૨૦૨૨થી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝન વખતે આ રિઝર્વેશન સેન્ટર બંધ કરવામાં આવ્યું હતું. લગભગ ૭ વર્ષ સુધી ધીમી ગતિએ પ્રોજેક્ટનું કામ ચાલ્યા બાદ આખરે ભાવ.અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન ચાલે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે, હવે નેતાગીરીને મુહુર્તનો સમય મળે એટલે ટ્રેન સેવા માટે લીલીઝંડી બતાવવાનું બાકી રહ્યું છે તેમ વધુમાં જાણવા મળ્યું છે!

Previous articleરાણપુર તાલુકાના જાળીલા ગામે જુગાર રમતા ૯ શકુનીઓ ઝડપાયા
Next articleવડવા વિસ્તારમાં પરીવાર પ્રસંગમાં જતાં તસ્કરો મહેમાન બન્યા : અઢી લાખની ચોરી