વીજ કર્મચારીઓના આંદોલનના મંડાણઃ તા.૨૨મીએ માસ સીએલનું કર્યુ એલાન

58

જેટકોના પ્રશ્નો મામલે સુત્રોચ્ચાર, બે દિવસ વર્ક ટુ રૂલ, રાજ્યવ્યાપી હડતાલ પાડવાની પણ યુનિયનની ચેતવણી
ગુજરાતની વીજ કંપની જેટકોના અધિકારીઓ-કર્મચારીઓનાં લાંબા વખતથી પડતર પ્રશ્નોના મામલે આંદોલનનો તખ્તો ઘડાયો છે અને આગામી ૨૨મીએ માસ સીએલનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ આજથી જ આંદોલન શરુ કરાતા ભાવનગરમાં પણ ગઇકાલે વીજ કર્મીઓ ભેગા થઇ દેખાવો અને સુત્રોચ્ચાર કર્યાં હતાં. રાજ્યભરમાં તમામ વીજ કંપનીઓના કર્મચારીઓ આંદોલનમાં સામેલ થશે. ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તથા જીઈબી એન્જીનીયરર્સ એસોસિએશન દ્વારા કર્મચારીઓનાં પડતર પ્રશ્નો વિશે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ નિરાકરણ આવતું નથી. સરકાર દ્વારા એકથી વધુ વખત બાંહેધરી આપવામાં આવી હોવા છતા પ્રશ્નોનો નિવેડો આવ્યો નથી ત્યારે આજથી જ આંદોલનાત્મક કાર્યક્રમો શરુ કરી દેવામાં આવ્યા છે. આગામી તા. ૨૦ અને ૨૧ એપ્રિલના રોજ તમામ કોર્પોરેટ, ઝોનલ, સર્કલ અને ડીવીઝન તથા સબડીવીઝનનો તમામ સ્ટાફ વર્ક ટુ રુલ આંદોલન કરશે જ્યારે ૨૨મીએ તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે.યુનિયનના સુત્રોએ જણાવ્યું કે સરકાર સામે આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે હવે એકાદ દિવસમાં જ તમામ કર્મચારીઓ રજા રિપોર્ટ મુકવાનું શરુ કરી દેશે.વીજ યુનિયનોની માંગણીઓમાં ડીવીઝન, સર્કલ, ઝોનનું બાયફરગેશન કરવા, જેટકો કંપનીના કર્મચારીઓને નવા મોંઘવારી ભથ્થા મંજૂર કરવા અને સાતમા પગાર પંચનો લાભ આપવા, જેટકોમાં ચાર વર્ષથી નવી ભરતી થઇ નથી અને ૫૦૦ જગ્યાઓ ખાલી છે તે તાત્કાલીક ભરવા, નવા મંજૂર સ્ટાફ સેટઅપને ફિલ્ડમાં લાગુ કરવા, ફિલ્ડમાં સ્ટાફને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે. આ મામલે તાત્કાલીક કોઇ નિવેડો નહીં આવે તો હડતાલ પાડવાની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

Previous articleજીએસટી કૌભાંડમાં હસન ક્લીવાલાના ૨૧મી સુધી કસ્ટોડીયલ ઇંટ્રોગેશન મંજુર
Next articleહેરીટેજ ડે નિમિત્તે સ્થાપત્યો રોશનીથી ઝળહળ્યા