બનાસ ડેરી ખેડૂતો અને સ્ત્રીઓને સશક્ત બનાવવાનું હબ બની ગઈ છેઃ વડાપ્રધાન

36

દિયોદરમાં નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત : બનાસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્‌ઘાટન કર્યું
દિયોદર,તા.૧૯
છેલ્લા ઘણા વર્ષોમાં, બનાસ ડેરી સ્થાનિક સમુદાયો, ખાસ કરીને ખેડૂતોને અને સ્ત્રીઓને સશક્ત બનાવવાનું હબ બની ગઈ છે. મને ખાસ કરીને ડેરીના નવીન ઉત્સાહ પર ગર્વ છે જે તેમના વિવિધ ઉત્પાદનોમાં જોવા મળે છે, એમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે રૂ. ૬૦૦ કરોડથી વધુના ખર્ચે બનેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરતા સમયે તેમના સંબોધનમાં કહ્યું હતું. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તે લગભગ ૩૦ લાખ લિટર દૂધની પ્રક્રિયાને સક્ષમ બનાવશે, લગભગ ૮૦ ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, ૨૦ ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને ૬ ટન ચોકલેટનું દૈનિક ઉત્પાદન કરશે. બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવા વિવિધ પ્રકારના પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનોનું ઉત્પાદન કરશે, જેમાંથી ઘણી પ્રોડક્ટ અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ પ્લાન્ટ સ્થાનિક ખેડૂતોને સશક્ત બનાવશે અને પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે. પ્રધાનમંત્રીએ બનાસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મુખ્ય વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે રેડિયો સ્ટેશન લગભગ ૧૭૦૦ ગામોના ૫ લાખથી વધુ ખેડૂતો સાથે જોડાશે. પ્રધાનમંત્રીએ પાલનપુરમાં બનાસ ડેરી પ્લાન્ટમાં ચીઝ ઉત્પાદનો અને છાશ પાવડરના ઉત્પાદન માટેની વિસ્તૃત સુવિધાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમજ, પ્રધાનમંત્રીએ ગુજરાતના દામા ખાતે સ્થાપિત ઓર્ગેનિક ખાતર અને બાયોગેસ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ખીમાણા, રતનપુરા-ભીલડી, રાધનપુર અને થાવર ખાતે સ્થાપિત થનાર ૧૦૦ ટન ક્ષમતાના ચાર ગોબર ગેસ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઈવેન્ટ પહેલા, પ્રધાનમંત્રીએ બનાસ ડેરી સાથેના તેમના જોડાણ વિશે ટ્‌વીટ કર્યું અને ૨૦૧૩ અને ૨૦૧૬માં તેમની મુલાકાતોના ફોટોગ્રાફ્સ શેર કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું, “છેલ્લા ઘણા વર્ષોમાં, બનાસ ડેરી સ્થાનિક સમુદાયો, ખાસ કરીને ખેડૂતોને અને સ્ત્રીઓને સશક્ત બનાવવાનું હબ બની ગઈ છે. મને ખાસ કરીને ડેરીના નવીન ઉત્સાહ પર ગર્વ છે જે તેમના વિવિધ ઉત્પાદનોમાં જોવા મળે છે. મધ પર તેમનું સતત ધ્યાન પણ પ્રશંસનીય છે.” મોદીએ બનાસકાંઠાના લોકોના પ્રયાસો અને ભાવનાની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “હું બનાસકાંઠાના લોકોને તેમની મહેનત અને સ્થિતિસ્થાપકતાની ભાવના માટે બિરદાવવા માંગુ છું. આ જિલ્લાએ જે રીતે કૃષિ ક્ષેત્રે આગેકૂચ કરી છે તે પ્રશંસનીય છે. ખેડૂતોએ નવી ટેકનોલોજી અપનાવી, જળ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને પરિણામો બધાને જોવા જેવા છે.”

Previous articleઆંતર યુનિ. હેન્ડબોલ સ્પર્ધામાં પસંદગી
Next articleકોરોનાએ વેલનેસના જીવનમાં મહત્વનો અનુભવ કરાવ્યો : મોદી