માઇકની અવદશા જોઇને અમે કોઇના પણ માઇક ન બનવાનો નિર્ણય કર્યો!!

65

અમે એટલે હું અને રાજુ રદી બખડજંતર ચેનલમાં કામ કરીએ છીએ. રાજુ રદી કેમેરામેન કમ ડ્રાઇવર કમ કુલી કમ વેઇટર કમ. યાદી લાંબી છે.અમારી ચેનલ લોકપ્રિયતાના મામલે બ્રહ્માંડમાં નંબર વન (- માઈનસ નંબર વન છે!! ચેનલના માલિકનો પરિવાર બખડજંતર જોવાના બદલે નેશન વોન્ટસ ટુ ના બરાડા પાડતા અર્નબ ગોસ્વામીની ચેનલ જુએ છે!!) છે. ચેનલમાંથી હુકમ છૂટ્યો કે ઉતરપ્રદેશ જઇ આવો અને સ્ટેોરી શુટ કરી આવો. અમારી ચેનલમાં બોસને બાદ કરતાં હું અને રાજુ સ્ટાફમાં છીએ.
અમે લાંબી મુસાફરી કરી પ્રયાગરાજ જનપદના કોઇ બ્લોકમાં આવેલા ગોડાઉન પાસે ગાડી સ્ટોપ કરી. આજુબાજુ નજર કરી . ચાની કિટલી શોધી. ચાના કિટલી , ગામ ચાવડી, પાનના ગલ્લા, બગીચાના બાંકડા એ ઇન્ટેલિજન્સ ઇનપુટ મેળવવાના આધારભૂત સ્ત્રોત છે. જ્યારથી માહિતી મેળવવા સિક્રેટ ફંડની ગ્રાંટમાંથી ફદિયું ખર્ચ્યા સિવાય જોરદાર માહિતી મળે છે.! અમે આવી એક કિટલી પરના મુંઢા પર બેસીને સ્પેશિયલ જાય મલાઇ મારકે મંગાવી. અમને ખુફિયા માહિતી મળી કે બધા ગોડાઉનમાં એકત્રિત થયા છે. અમને માનો કે લોટરી લાગી !!
ગોડાઉનનો દરવાજો ખોલતાં હોરર ફિલ્મની જે કિચૂડ કિચૂડનો અવાજ આવ્યો. એક પરિન્દુ પર મારીને બહાર ઉડી ગયું. એની માને હ્‌દય ધબકારો ચૂકી ગયું . રાજુ રદી કેમેરા સાથે ગબડી પડ્યો. ડોલ્બી સાઉન્ડ જેમ હાઇ ડેફ્નેશન ફ્રિકવન્સીમાં સવાલ ફેંકાયો “ કૌન હૈ?” સવાલ પણ તેની ઇકો અસર અનેક! ઝાંખું ઝાંખું અજવાળું હતું નળિયાંના કાણામાંથી સૂરજનું ચાંદરણું પડે તેનું લાગે!!
અમે જોઇને સ્તબ્ધ થઇ ગયા. કેટલી મોટી ઉઠકબેઠક. ગઇ કાલ સુધી ગગનને ચુમનાર આજે મિટીનેચુમી રહ્યા હતા. ગઈકાલ સુધી ગગન ગજાવનાર આજે કણસવા માટે પણ મોહતાજ હતા!!
લીલા માઇક, ભગવા માઇક, ભૂરા માઇક, માફિયા માઇક, સ્ટિરિયો માઇક, ડોલ્બી માઇક ભેદભાવ વિના હમ સાથ સાથ હૈની જેમ સાથે હતા.
મેં લીલા માઇક તરફ માઇક ધરીને પૂછયું,
“ કેવું લાગે છે?”
શું કેવું લાગે ? ધૂળ અને ઢેફા-ઢેખાળા લાગે” તેણે ઉગ્રતાથી જવાબ આપ્યો.
“કંઇ તો કહો” અમે વિનંતી કરી.
“ કોઈકના એચએમવી ( હિઝ માસ્ટર્સ વોઇસ)ના લીધે અમારી માઠી બેઠી!!” એણે ભગવા માઇક તરફ કૌશિક મુનિની જેમ કાતિલ નજરે જોયું.
“તું તો બોલતો જ નહીં” ભગવા માઇકે લાંબો હાથ કરીને કહ્યું, “ તારા પાપે બધાને ઘરભેગા થવું પડ્યું.સવારનાં પાંચ વાગ્યે લોકોની મીઠી ઉંઘ બગાડતો હતો, રાત્રે વેળા ક્વેળા લોકોને ઉંઘવા ન દે. વૃધ્ધો, પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે. આગઝરતા ભાષણો કરે. લોક કયાં સુધી સહન કરે?તારા પર તો બુલડોઝર ચલાવવું પડશે!!તમે અહીંનું ખાઇને અહીં ખોદો છો!!”
અમે લીલા માઇકને કહ્યું,તમે બોલવા માટે મંજૂરી લીધી હતી? મંજૂરી કેટલા ડેસિબલની હતી?”
“નિયમ મુજબ પાંચ ડેસિબલ.પાંચ ડેસિબલી ચકલીની ચીંચી કે કોયલની કૂકૂ નો વધુ અવાજ હોય. અમારો અવાજ દબાવી દેવાની તમારી સિયાસી ચાલ છે. ભગવા માઇક શ્રાવણ માસમાં સવારના ચાર વાગ્યાથી પ્રદીપના ભજન દેખ તેરે સંસારકી હાલત કયાં હો ગઇ ભગવાન કે પીંજડેકે પંછી વગાડીને બધાની ઉંધની વાટ લગાડો છો એનું શું? સવારે આરતીમાં ગણીને બે જણ હોય તો પણ માલિકને સંભળાય એટલા મોટા વોલ્યુમથી આરતી કરો છો? લગ્નમાં ડીજે વગાડો છો ત્યારે નોઇઝ પોલ્યુશનની ચિંતા કરો છો? અમારો અવાજ દાબી નહીં શકો !!!” લીલા માઇકે આગઝરતા અવાજે કહ્યું.
એવામાં ભૂરા માઇકે બરાડીન કહ્યું ,” તમે બધા મનુવાદી માઇક છો. અમે હાઇ વોલ્યુમ રાખીએ છીએ છતાં અમારી તિતૂડી તમે સાંભળતા નથી. લીલા અને ભગવા માઇક અમારા તરફ સૂગ રાખે છે. અમારા યુવાનો લગ્નમાં વરઘોડો કાઢે તો તમે તેને ગધાડે બેસાડી ફેરવો છો. બંધારણ મુજબ હક્ક આપતા નથી. જય ભીમ!!” કહીને અલગ ખૂણામાં જઇ બેસી ગયો!!
એવામાં ફેરિયા વગાડે તેવા હેન્ડ માઇકે અમોલ પાલેકર જેવા અવાજે કહ્યું,” અમે મધ્યમ વર્ગના છીએ. બેરોજગાર,ગરીબી, ભાવવધારા ચક્કરમાં શેરડીની જેમ પિલાઇએ છીએ . અમે કુપોષિત છીએ . અમે દુર્બળ છીએ. અમારો તો અવાજ નીકળતો નથી તો અમને કેમ ઉતારી લીધા? આ તો પાપડી સાથે ઇયળ બાફી નાંખી, સૂકા જોડે લીલું બળી ગયું. અમે સાયલન્ટ મોડ પર છીએ!! અમને રિસ્ટોર કરવા માંગો છો કે કેમ?”
માઇકની અવદશા જોઇને અમે કોઇના પણ માઇક ન બનવાનો નિર્ણય કર્યો!!
– ભરત વૈષ્ણવ

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપૂર્વોત્તર ક્ષેત્રથી આફસ્પાને સંપૂર્ણપણે હટાવવા કેન્દ્રના પ્રયાસ જારી : મોદી