બાવળીયાળી ગામ પાસે ઘટેલ દુર્ઘટનાના સમાચાર સુર્યોદય થતાની સાથે વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચતા વિધિની વક્રતા અને કાળા કાળની ક્રુર મજાકનો ભોગ બનેલા ગરીબ પરિવારોની વ્હારે સેંકડો લોકો નાત-જાતનો ભેદ-ભાવ ભુલી તમામ પ્રકારની મદદની તૈયારી સાથે સેવાભાવીઓ શહેરના સર ટી. હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મુક બની રક્તદાનથી લઈ તમામ સેવાઓ આપમેળે શરૂ કરી ભાવસભર ભાવેણાવાસી હોવાનો તાદ્દશ્ય પુરાવો આપ્યો હતો. જે વ્યક્તિ સાથે આંખની પણ ઓળખ નથી એવા વ્યક્તિઓએ અંગત આત્મજ બની માનવતાની હૂંફ લાગણી પુરી પાડી હતી. આ દુઃખદ પ્રસંગે ભાવનગર શહેર લઘુમતી સમાજના હોદ્દેદારો તેમજ સેવાભાવી નવયુવાનો પણ મોટીસંખ્યામાં દોડી જઈ સેવાકાર્યમાં જોડાયા હતા અને માનવ ધર્મનો સચોટ સંદેશ પ્રસારીત કર્યો હતો.