કોંગ્રેસમાં પરિવારમાંથી એકને જ ટિકિટની દરખાસ્ત

45

પાર્ટીનું માનવું છે કે, આ સાથે તે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા પરિવારવાદના આરોપોનો જવાબ આપી શકશે
નવી દિલ્હી, તા.૧૦
કોંગ્રેસે ઉદયપુરમાં ચિંતન શિબિર પહેલા મોટા ફેરફારોની તૈયારીઓ કરી લીધી છે. સોમવારે મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પરિવારમાં માત્ર એક વ્યક્તિને ટિકિટ આપવી, મુખ્ય પદ સંભાળ્યા બાદ ત્રણ વર્ષનો કુલિંગ-ઓફ પિરિયડ અને મોટી સંખ્યામાં પેનલોની સંખ્યા ઘટાડવા જેવી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.
કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, હાઈકમાન્ડને સૂચન કરવામાં આવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ કે રાષ્ટ્રીય કારોબારી સહિતના નેતાઓને એક ટર્મ પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષ સુધી હોદ્દાથી દૂર રાખવા જોઈએ. તેના પર સહમતિ બની છે. આ ઉપરાંત એક પરિવારમાંથી માત્ર એક વ્યક્તિને ટિકિટ આપવા પર પણ સહમતિ બની છે. પાર્ટીનું માનવું છે કે, આ સાથે તે ભાજપ દ્વારા લગાવવામાં આવી રહેલા પરિવારવાદના આરોપોનો જવાબ આપી શકશે. ઉદયપુરમાં ૧૩ થી ૧૫ મે દરમિયાન કોંગ્રેસનું ચિંતન શિબિર યોજવાનું છે. આ તમામ દરખાસ્તો તેમાં રજૂ કરવામાં આવશે.તેમણે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી છે. આ ઉપરાંત તે યુપી અને બિહાર જેવા રાજ્યો માટે પણ આયોજનમાં વ્યસ્ત છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટીની નજર રાજસ્થાન અને છત્તીસગઢ પર પણ છે, જ્યાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચિંતન શિબિરમાં પાર્ટીના ૪૦૦ નેતાઓ ભાગ લેશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ એક નેતાએ કહ્યું કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા એક પરિવાર, એક ટિકિટના પ્રસ્તાવ પર જાહેરાત કરશે. આવી પણ જાહેરાત થઇ શકે છે કે, ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિ લડશે. આ ઉપરાંત કોંગ્રેસમાં ફેરફારની માંગણી કરતા નેતાઓ સંસદીય બોર્ડના પુનઃરચના અંગે વાત કરી રહ્યા છે.
રાજકીય બાબતોની સમિતિએ સૂચન કર્યું છે કે, પાર્ટીએ દેશભરમાં ગઠબંધન બનાવવું જોઈએ. ખાસ કરીને લોકસભાની ચૂંટણી માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોને સાથે લેવા જોઈએ.

Previous articleસેન્સેક્સમાં ૧૦૬, નિફ્ટીમાં ૬૨ પોઈન્ટનો ઘટાડો નોંધાયો
Next articleમોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પર હુમલો