માણિક સાહા ત્રિપુરાના નવા મુખ્યમંત્રી બનશે

46

પાર્ટીએ વર્ષ બાદ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતા જવાબદારી સોંપી છે
અગરતલા, તા.૧૪
ત્રિપુરામાં ૨૦૨૩માં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મુખ્યમંત્રી બિપ્લબ દેબને હટાવી દીધા છે. હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ માણિક સાહાને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં માણિક સાહાને ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. બિપ્લબ દેબનારાજીનામા બાદ જે નામોની ચર્ચા ચાલી રહી હતી, જેમાં માણિક સાહાનું નામ સૌથી આગળ હતુ. હવે માણિક સાહા રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. માણિક સાહા ત્રિપુજા ભાજપના અધ્યક્ષ છે અને રાજ્યસભા સાંસદ છે. પાર્ટીએ એક વર્ષ બાદ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતા મહત્વની જવાબદારી સોંપી છે. મહત્વનું છે કે ત્રિપુરામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓ પાર્ટી છોડી રહેતા હતા. તેની પાછળનું કારણ બિપ્લબ દેબ હોવાનું સામે આવી રહ્યુ હતું. મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવા પર બિપ્લબ દેબે કહ્યુ કે તેમના માટે પાર્ટીનો નિર્ણય સર્વોપરિ છે. પાર્ટી હાઈકમાન્ડના કહેવા પર તેમણે પદ છોડી દીધુ છે. હવે તે પાર્ટીના સિપાહી તરીકે કામ કરતા રહેશે. પરંતુ નવા મુખ્યમંત્રી કોણ હશે તેનો કોઈ જવાબ આપ્યો નહીં.
બિપ્લબ દેબને લઈને સંગઠનમાં નારાજગી ચાલી રહી હતી. બે ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. વિધાનસભા ચૂંટણીને જોતા ભાજપ કોઈ જોખમ લેવા ઈચ્છતુ નથી. મહત્વનું છે કે રાજ્યમાં ૨૦૨૩માં ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની જેમ ત્રિપુરાના મંત્રીમંડળમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે. રાજીનામા બાદ મુખ્યમંત્રી સંગઠનમાં કોઈ પદ સંભાળી શકે છે. બિપ્લબ દેબ વિરુદ્ધ પાર્ટીમાં સતત નારાજગી જોવા મળી રહી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તેમની વિરુદ્ધ દિલ્હીમાં સતત ફરિયાદ કરી રહ્યા હતા. આગામી વર્ષે રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે, તેને જોતા ભાજપે બિપ્લબ દેબને હટાવવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે ૨૦૧૮ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં પ્રથમવાર સરકાર બનાવી હતી. ત્યારે બિપ્લબ દેબને પ્રદેશની કમાન સોંપવામાં આવી હતી. હવે અહીં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે.

Previous articleચારધામ યાત્રામાં ૧૨ દિ’માં ૩૧ ભાવિકોનાં મોત નિપજ્યા
Next articleએસ્ટેરોઈડ પૃથ્વી સાથે અથડાશે તો મહાકાય વિનાશ સર્જી શકે છે