મેં તેને કહ્યુ હતું કે તારા જીવન પર ફિલ્મ બનવી જોઈએ : કિયારા

61

મુંબઈ, તા.૧૬
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે એક વાતચીત દરમિયાન તેણે પોતાના દિવંગત કો-સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની યાદોને વાગોળી હતી. ઉલ્લેખનીય છે કે કિયારાએ દિવંગત સુશાંત સિંહ રાજપૂત સાથે ક્રિકેટર એમએસ ધોનીની બાયોપિક એમ.એસ. ધોની- ધ અનટોલ્ડ સ્ટોરીમાં કામ કર્યુ હતું. આ ફિલ્મમાં તેણે સુશાંતની સામે લીડ રોલ કર્યો હતો. નોંધનીય છે કે જૂન ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યુ હતું. ધ રણવીર શૉ પોડકાસ્ટ’માં કિયારાએ સુશાંત સિંહ રાજપૂત સાથે પસાર કરેલા સમયને યાદ કર્યો હતો. તેણે જણાવ્યું કે, ઔરંગાબાદમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન સુશાંત સાથે વાતચીત કરવાની તક મળી હતી. તે જણાવે છે કે, અમે ઔરંગાબાદમાં શૂટિંગની શરુઆત કરી અને રાતે ૮ વાગ્યે પેકઅપ થઈ ગયુ હતું. અમારી સવારે ચાર વાગ્યાની ફ્લાઈટ હતી. અમે વિચાર્યું કે ચાલો આને ઓલ-નાઈટર કરીએ. તે સમયે મને સુશાંત સાથે સમય પસાર કરવાની તક મળી. તેણે પોતાની જર્ની વિશે વાત કરી, ધોની ફિલ્મ કેવી રીતે મળી તે જણાવ્યું. તે એક એન્જિનિયર હતો અને તેની પાસે હંમેશા મોટા મોટા પુસ્તકો હોય છે, જે હંમેશા વાંચતો રહેતો હતો. કિયારાએ જણાવ્યું કે, તેનું દિમાગ ઘણું શાર્પ હતું. મેં તેને એક વાર કહ્યુ હતું કે, કોઈ દિવસ તારા પર એક બાયોપિક ફિલ્મ બનવી જોઈએ. કારણકે આ જર્ની ઘણી રસપ્રદ છે. એમએસ ધોનીના શૂટિંગ દરમિયાન, સુશાંત પાસે એક બુકલેટ હતી જેમાં ધોનીને તેમણે પૂછેલા પ્રશ્નો અને ઉત્તરો લખેલા હતા. સુશાંત સિંહ રાજપૂતે ધોનીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ઘણું રિસર્ચ કર્યુ હતું. આ સિવાય કિયારાએ જણાવ્યું કે, મને ખૂબ નવાઈ લાગતી હતી કે સુશાંત માત્ર બે કલાક સુઈ જતો હતો અને પછી બીજા દિવસે સેટ પર પણ આવતો હતો. તેનુ માનવુ હતું કે માનવ શરીરને માત્ર બે કલાકની ઉંઘની જરૂર હોય છે.